અમદાવાદ: શહેરમાં રસ્તા પર જતા વૃદ્ધ મહિલા અથવા પુરુષને રોકીને સરનામું પૂછવાના બહાને અને પોતાની ઓળખ જાણીતા યાત્રાધામ પાવાગઢ મંદિરના પૂજારી અથવા તો ગરીબનવાજની દરગાહના ખાદીમના દીકરા તરીકે આપી વિશ્વાસ કેળવ્યો હતો. દાગીના ઉતરાવી પાકીટમાં મૂકી પવિત્ર કરી પહેરવાની વાત કરી દાગીના લઈને ફરાર થઈ જતી ટોળકીની પોલીસે ધરપકડ કરી છે. પતિ પત્ની અને જમાઈની ધરપકડ કરી તપાસ કરતા બે ગુનાનો ભેદ ઉકેલાયો છે. આરોપીઓ અગાઉ પણ અનેક ગુનાને અંજામ આપી ચુક્યા હોવાનો ખુલાસો થયો છે.
પોલીસ દ્વારા અપાયેલી પ્રેસ વિજ્ઞાપ્તિ મુજબ: અમદાવાદ શહેરમાં ઝોન 7 એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ઝોન 7 એલસીબીના ASI એમ.એલ રામાણી તેમજ સ્ટાફના માણસો વાસણા અને વસ્ત્રાપુરમાં ઠગાઈના ગુનાની તપાસમાં હતા. જે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ દશરથસિંહ તેમજ લખધીરસિંહ રતુભા અને વિજયસિંહ હનુભાને બાતમી મળી હતી. વાસણા વિસ્તારમાં ઠગાઈના ગુનામાં સામેલ આરોપીઓ ફરી રહ્યા છે.
બાતમીના આધારે વોચ: બાતમીના આધારે વોચ ગોઠવીને LCBની ટીમે ઈકબાલ કમરૂદ્દીન શેખ, સલમાબેન ઇકબાલ શેખ તેમજ હૈદર અસલમ શેખ એક કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. ત્રણેય આરોપીઓ સુરતના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તેની તપાસ કરતા સોનાના 3.66 લાખની કિંમતના દાગીના તેમજ ત્રણ મોબાઈલ ફોન અને એક મોટરસાયકલ સહિત ચાર લાખ ચાર હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા આરોપીની તપાસ કરતા તેઓએ વાસણા અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં આ જ પ્રકારે ઠગાઈ આચરી હતી.
કઈ રીતે આચરતા ઠગાઈ: પકડાયેલા આરોપીઓમાં ઈકબાલ શેખ અને સલમા શેખ પતિ પત્ની છે. તેમજ હૈદર શેખ તેઓનો જમાઈ છે. ત્રણે આરોપીઓ ભેગા મળી શહેરના અલગ અલગ વિસ્તારમાં ફરતા હતા. જ્યાં રસ્તે જતા વૃદ્ધ મહિલાઓ અથવા પુરુષ જેઓએ દાગીના પહેરેલા હતા. તેની પાસે જઈ આર.કે શર્મા નામનું દવાખાનું ક્યાં આવેલું છે. તેનું સરનામું પૂછી પોતે પોતાની ઓળખ પાવાગઢ મંદિરના પૂજારી અથવા તો ગરીબનવાજની દરગાહના ખાદીમના છોકરા તરીકે આપતા હતા.
પવિત્ર કરી પહેરજો: ડોક્ટર આર.કે શર્મા અમારા પિતાશ્રીના ભક્ત છે. તેમના ઘરે દીકરાનો જન્મ થયો છે, તેનું નામ રાખવા માટે પોતે આવ્યા હોવાની વાર્તા બનાવતા હતા. જે બાદ ભોગ બનનાર સ્ત્રી અથવા પુરુષ દેવી-દેવતાઓની માહિતી મેળવી તેના દાગીના ઉતરાવી આ દાગીના રૂમાલ અથવા પાકીટમાં મુકાવી દીધા હતા. આ દાગીના ઘરે જઈને દૂધમાં ધોઈ પવિત્ર કરી પહેરજો તેમ કહીને જે જગ્યાએ ઊભા હોય ત્યાં નજીકમાં ઝાડ અથવા થાંભલાને ગણવા અથવા તો અડી ને આવો ત્યાં તમને જે ભગવાનને માનતા હોય એ ભગવાન દેખાશે. તેમ કહીને વાર્તાઓ કરી ભોગ બનનાર સાથે ઠગાઈ આચરી ભોગ બનનાર જ્યારે ઝાડ કે થાંભલાને અડવા જાય ત્યારે દાગીના અને રોકડ લઈને આરોપીઓ ફરાર થઈ જતા હતા.