અમદાવાદ: આવતીકાલથી રાજ્યમાં ગણપતિ મહોત્સવની શરૂઆત થઈ રહી છે. ભક્તો આગામી દસ દિવસ સુધી ગણપતી દાદા પોતાના નિવાસ સ્થાને લાવશે. તેમની પૂજા અર્ચના કરશે અને મનગમતા મિષ્ટાનનો ભોગ ધરાવશે. દસ દિવસ બાદ ગણપતી દાદાને ભકતો વિદાય આપે છે. લંબોદરાયની આ વિદાય માટે એએમસી દ્વારા શહેરમાં કુલ 46 જેટલા વિસર્જન કુંડ તૈયાર કરવામાં આવશે. શહેરના મધ્ય ઝોનમાં 9, ઉત્તર ઝોનમાં 6, દક્ષિણ ઝોનમાં 5, પૂર્વ ઝોનમાં 4, પશ્ચિમ ઝોનમાં 13, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 9 વિસર્જન કુંડની યોજના છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગણપતિ વિસર્જન માટે અલગ અલગ ઝોનમાં 46 જેટલા વિસર્જન કુંડ બનાવવામાં આવશે.આ કુંડ ખાતે ફાયર બ્રિગેડ, ક્રેન જેવી તમામ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે...દેવાંગ દાણી(ચેરમેન, સ્ટેન્ડિંગ કમિટિ, એએમસી)
વિસર્જન કુંડના સ્થળે અન્ય સુવિધાઓઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિસર્જન કુંડ પાસે પીવાના પાણી, લાઇટ તેમજ સફાઈની સુવિધા પર ધ્યાન અપાશે. આ ઉપરાંત મોબાઇલ ટોયલેટ વાનની સુવિધા પણ ભક્તો માટે કરાશે. ગણપતિની પૂજામાં વપરાયેલી સામગ્રી માટે અલગ ડ્રમ પણ મુકાશે. ફાયર વિભાગ દ્વારા ચીફ ઑફિસરથી લઈને ફાયરમેન સુધીના કુલ 263 જેટલો સ્ટાફ ફાળવાશે.
લોકમાન્ય ટ્રોફીઃ લોકો હજૂ પણ ગણપતિ પીઓપીની મૂર્તિ ખરીદવાનો આગ્રહ રાખે છે. AMC દ્વારા ઈકોફ્રેન્ડલી ગણેશ મૂર્તિને પ્રોત્સાહન મળે તે માટે ખાસ લોકમાન્ય ટ્રોફીનું આયોજન કરાયું છે. આ ટ્રોફીના વિજેતાના સર્વે માટે એએમસી ગણેશ પંડાલ પર જશે. પંડાલની સગવડને ધ્યાને લેશે અને મેરિટ તૈયાર કરશે. આ ટ્રોફીનો મુખ્ય હેતુ ગણેશ પંડાલોમાં સ્વચ્છતા, ઈકોફ્રેન્ડલી ગણેશજી, પાર્કિંગ, હાઈજેનિક ચીજવસ્તુઓ, ડેકોરેશન જેવા માપદંડોને ધ્યાને લેવાશે.