અમદાવાદ: ભારતમાં કલાકારોને વિશેષ પ્રકારનું માન-સન્માન મળે છે. જુદી જુદી કલાઓ જેવી કે ગાયન વાદન અને મૂર્તિ કલા વગેરેમાં નિપુણ કલાકારો રુપબા અલગ જ હોય છે, પરંતુ મૂર્તિકારોનો વૈભવ હવે પ્રાચીન સમય જેવો નથી રહ્યો. તેમની ગણના એક ગરીબ મજૂર વર્ગ તરીકે જ થાય છે. વળી કોરોનાના કપરા કાળમાં તે લોકોની હાલત પડ્યા પર પાટું જેવી થઇ છે.
કોરોના મહામારીના મંદીના માહોલમાં હવે મૂર્તિકારો પણ બાકી રહ્યા નથી. એક તરફ ગુલબાઈ ટેકરા વિસ્તારમાં 75 ટકા જેટલા લોકો મૂર્તિ બનાવવાના વ્યવસાયમાં જોડાયેલા છે. તો બીજી તરફ અમદાવાદના અલગ-અલગ વિસ્તારમાં જે લોકો મૂર્તિ બનાવે છે, તેમની હાલત પણ કફોડી છે.
હિન્દુ ધર્મના અનેક તહેવારો આવી રહ્યા છે. જેમાં ગણેશ ચતુર્થીને પણ થોડાક જ દિવસ બાકી રહ્યા છે. દસ દિવસ માટે લોકો ભગવાન ગણેશની મૂર્તિ લાવીને તેની સ્થાપના કરે છે, પરંતુ આ વર્ષે કોરોના વાઇરસના કારણે સાર્વજનિક ગણેશોત્સવ ઉજવાશે નહીં. જેને લઇને મુર્તિઓની માગ પણ ઓછી છે. ત્યારે આ મૂર્તિઓમાં 3 ફૂટના કારીગરોની હાલત પણ કફોડી બની છે. ગત વર્ષોમાં જે 100 ટકાની ઘરાકી રહેતી હતી, જે હવે ઘટીને 30 ટકા જેટલી થઈ છે અને બુકિંગ પણ ઓછા થતા મૂર્તિકારો ગ્રાહક ક્યારે આવે તેની રાહ જોઈ રહ્યા છે.
અમદાવાદના પ્રખ્યાત ગુલબાઈ ટેકરાના મૂર્તિકારો તેમજ અમદાવાદના અલગ અલગ વિસ્તારના મૂર્તિકારો મુશ્કેલીમાં મુકાયા છે. તેઓ વ્યાજે પૈસા લાગે છે અથવા તો પોતાના ઘરના ઘરેણાં ગિરવે મૂકીને પૈસા લાવીને મૂર્તિઓ બનાવી રહ્યા છે. કારણ કે, કોરોના વાઇરસના કારણે સરકાર દ્વારા લાગુ કરાયેલા લોકડાઉન બાદ મૂર્તિકારો પાસે જરૂરી પ્રમાણમાં મટીરીયલ નથી, પૈસા નથી અને માર્કેટમાં પણ મંદીનો માહોલ છે.
પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે અનેક લોકોને આ વ્યવસાયમાંથી વર્ષભરની રોજગારી મળી રહે છે. જે તે તહેવારોના છ મહિના પહેલાં જ મૂર્તિકારો મૂર્તિઓ બનાવવામાં શરૂ કરી દેતા હોય છે. ત્યારે આ વર્ષે પણ તેઓએ માટીની મૂર્તિઓ તો બનાવી પણ તેને લેવા માટે ગ્રાહકો આવી રહ્યા નથી.