અમદાવાદઃ અમદાવાદ એપીએમસીએ જમાલપુર શાક માર્કેટને શહેરની બહાર ખસેડવાનો નિર્ણય લીધો છે. આ પ્રક્રિયાના ભાગરૂપે બે દિવસ માટે જમાલપુર શાક માર્કેટ બે દિવસ બંધ રાખવામાં આવશે. હાલ દેશમાં કોરોના વાયરસની સ્થિતિ અને લૉક ડાઉન દરમિયાન થઈ રહેલી ભીડને કારણે એપીએમસીએ આ નિર્ણય લીધો છે. એપીએમસીના સેક્રેટરી દીપક પટેલે આ માહિતી આપી છે.
એપીએમસીએ જમાલપુર શાક માર્કેટને જેતલપુર અનાજ માર્કેટ ખાતે ખસેડવાનો નિર્ણય લીધો છે. સોમવારથી જેતલપુરમાં આ શાક માર્કેટ કાર્યરત થઈ જશે. આ માટે વેપારીઓ પોતાનો જરૂરિયાતનો સામાન જેતલપુર ખસેડવાના છે. તમામ વેપારીઓ અને શાક લઈને આવતા ખેડૂતોને પણ આ જાણકારી આપી દેવામાં આવી છે. કોરોના મહામારી સુધી જેતલપુર માર્કેટથી શાકમાર્કેટનુ સંચાલન થશે.
એપીએમસીએ આ અંગે કહ્યું કે, જમાલપુર શાક માર્કેટમાં દરરોજ 13થી 18 હજાર ક્વિન્ટલ શાક આવે છે. હાલ જગ્યા નાની પડી રહી છે. કોરોના વાયરસની સ્થિતિને જોતાં માર્કેટ ખસેડવી પડે તેવી સ્થિતિ હતી. જ્યારે કોરોના વાયરસની સ્થિતિ સામાન્ય થઈ જશે ત્યારે માર્કેટ જમાલપુર પરત લાવવામાં આવશે.