અમદાવાદ એરપોર્ટ પરથી ઇમિગ્રેશન વિભાગે તપાસ દરમિયાન ડુપ્લીકેટ પાસપોર્ટ પર ઓમાન જતા સંતોષ ભગત નામના શખ્સને ઝડપી પાડ્યો છે. આ શખ્સને એરપોર્ટે પોલીસના હવાલે કરતા પોલીસે પ્રાથમિક પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે, આ આરોપીએ બે વર્ષ પહેલા ડુપ્લીકેટ પાસપોર્ટ બનાવ્યો હતો. જે દિલ્હીના કોઇ એજન્ટ પાસે બનાવ્યો હતો અને એરપોર્ટ પર ટિકીટ લઈ ઓમાન જતો હતો.
આ સમયે ઇમિગ્રેશન ટેબલ પર ચેકિંગ કરાવતા તેનો પાસપોર્ટ નકલી હોવાની જાણ થઇ હતી. જેથી ઇમિગ્રેશન અધિકારીઓએ તેની પૂછપરછ કરતા તે પોતે બિહારનો છે અને તેનું નામ સંતોષ યાદવ છે તેમ જણાવ્યું હતું. પાસપોર્ટ બાબતે પૂછતા તેણે કબૂલાત કરી હતી કે, તે પાસપોર્ટ તેણે 15 હજાર રૂપિયા આપીને દિલ્હીના કોઇ એજન્ટ પાસે બનાવડાવ્યો હતો. આટલું જ નહિ તેની સાથે 15 લોકોએ આવા ડમી પાસપોર્ટ બનાવડાવ્યા હતા. જેથી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.