રોજીંદા જીવનમાં તકલીફોનો સામનો કરતા આ બાળકો ઉત્તરાયણ જેવા તહેવારમાં વધુ વ્યથિત થાય છે. તેનું કારણ છે તેમની અપંગતા. પરંતુ જો હુંફ, સહકાર અને પ્રેમ મળે તો ગમે તેવી ઉદાસી ઉત્સાહમાં ફેરવાઈ જતા વાર લાગતી નથી. આ બાળકોની લાચારી ઈટીવી ભારતના એક નાનકડા પ્રયાસથી કપાઈ ગઈ છે. અને તલસાંકળી જેવી મિઠાસ તેમના જીવનમાં ભળી છે. શિયાળો હુંફનો સંદેશો આપે છે ત્યારે આ ફુલગુલાબી ઠંડીમાં ઈટીવી ભારતે બાળકો સાથે તહેવારની મોજ માણી ખરા અર્થમાં હુંફ આપવાનો પ્રયાસ કર્યો છે.
ETV ભારત દ્વારા ઉત્તરાયણના 2 દિવસ અગાઉ જ વસ્ત્રાપુર ખાતે આવેલા અપંગ માનવ મંડળમાં બાળકોની સાથે પતંગોસત્વની ઉજવણી કરવામાં આવી હતી. ETV ભારતના આ પતંગોસત્વમાં સામાજિક સંસ્થાઓ, સ્ટાર કાસ્ટ અને કેટલાક નાગરિકો પણ જોડાયા હતા. ETV ભારતની આ પહેલને સંચાલકે બિરદાવી હતી. લોકોએ પણ આ પ્રકારના કાર્યક્રમમાં સહભાગી થવા જાહેર અપીલ કરી હતી. તો કેટલાક બાળકોએ જણાવ્યું હતું કે, તેમને ખૂબ જ મજા આવી અને આગામી સમયમાં સમાજના અન્ય લોકો પણ તેમની સાથે ઉજવણી કરવા આવે તો તેમને ગમશે.
ઉત્તરાયણ એવો તહેવાર છે જેમાં હાથ, પગ,આંખ સૌથી વધારે સક્રિય રાખવા પડે, તો જ ઉત્તરાયણનો પરમ આનંદ ઉઠાવી શકાય. પરંતુ જેઓ શારિરીક ખામીઓ સાથે જન્મયા છે. અથવા તો જન્મ બાદ જે અપંગ બન્યા છે એમનું શું? એમના માટે ઘણા દાતાઓ આગળ આવે છે. ઉત્તરાયણમાં દિવ્યાંગ બાળકો પાસે પતંગો, ફીરકીઓ અને તલસાંકળી-લાડુ વગેરેનો ખડકલો થઈ જાય છે. પરંતુ તેમની સાથે પતંગ ચગાવવા વાળું ભાગ્યે જ કોઈ હોય છે. ઈટીવી ભારતે એક પગલુ આગળનું વિચારી આવા બાળકો સાથે ઉત્તરાયણ ઉજવવાનું નક્કી કર્યુ. તેનું પરિણામ આ બાળકોના ચહેરા ઉપર વેરાતુ હાસ્ય અને ચમકતી ખુશી છે.