અમદાવાદ: રાજ્યમાં છેલ્લા 15 દિવસથી વરસાદે વિરામ લીધો છે પરંતુ આ સમયગાળામાં મચ્છરનો ઉપદ્રવ પણ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. જેના કારણે મેલેરિયા, ચિકનગુનિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો થઈ શકે છે. અમદાવાદ શહેરમાં મચ્છરજન્યકેસનો આંક 534 સુધી પહોંચી ગયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા વધતા જતા મચ્છરજન્ય રોગ ડેન્ગ્યુને ડામવા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમકે મચ્છરના બ્રીડિંગ શોધવા હેલ્થ વિભાગ દ્વારા ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.
શહેરમાં સ્લમ અને બિલ્ડિંગોની છત પર પડેલા ટાયર કે અન્ય ભારજનક વસ્તુઓની સતત તપાસ કરવામાં આવી રહી છે. ઈમારતોની છતના સર્વે માટે ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ડ્રોનથી દવા પણ છાંટવામાં આવી રહી છે...ડૉ ભાવિન સોલંકી (HOD, આરોગ્ય વિભાગ,AMC)
પાણીજન્ય કેસ 1200ને પારઃ અમદાવાદ શહેરમાં ચોમાસાની ઋતુ શરૂઆત થતા જ પાણીજન્ય કેસોમાં પણ ભારે વધારો જોવા મળી રહ્યો છે. વરસાદ અટક્યા બાદ પણ પાણીજન્ય રોગોએ માથુ ઉંચક્યું છે.જેમાં ઝાડા ઉલટીના 619, કમળાના 117, ટાઇફોઇડના 467 અને કોલેરાના 20કેસ સામે આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 9491 જેટલા ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 213જેટલા ક્લોરીન ટેસ્ટ નીલ આવ્યા છે.બેક્ટેરિયાજન્ય રોગોની તપાસ માટે 213 જેટલા પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા.જેમાંથી કુલ 26 જેટલા પાણીના સેમ્પલ અનફિટ આવ્યા છે.
500થી વધુ મચ્છરજન્ય કેસઃ અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય કેસ સંખ્યા 534 થઈ છે. જેમાં સાદા મેલેરિયાના 111 કેસ, ઝેરી મેલેરીયાના 7, ડેન્ગ્યુના 407 અને ચિકનગુનિયાના 9 કેસ નોંધાયા છે. જ્યારે લોહીની તપાસ માટે 75950 નમૂના લેવામાં આવ્યા હતા. જ્યારે ડેન્ગ્યુના સીરમના 3994 સેમ્પલ લઈને તપાસ કરવામાં આવી છે. કોલેરાને 20 કેસ નોંધાયા છે. શહેરમાં ઓગસ્ટ માસ સુધીમાં કોલેરાના 18 કેસ નોંધાયા છે. જેમાં વટવા બોર્ડમાં 8, ઈન્દ્રપુરીવોર્ડમાં 3, ઇસનપુર વોર્ડમાં 3, લાંભા વોર્ડમાં 2, રામોલ-હાથીજણ વોર્ડમાં 1, ઇસનપુર વોર્ડમાં 1, અસારવા વોર્ડમાં 1, ઓઢવ વોર્ડમાં 1 આમ કુલ મળીને કોલેરાના 18 જેટલા કેસ સામે આવ્યા છે.