અરજદારનો આક્ષેપ છે કે, જયરાજ સિંહ જાડેજાના ડરના પગલે પોલિંગ બૂથ પર કોઈ સ્થાનિક હાજર રહેવા માંગતા નથી અને ડરને કારણે લોકો મતદાન કરવા બહાર નીકળતા નથી. આથી આવા બૂથને ક્રીટિકલ બૂથ જાહેર કરી ત્યાં સેના અથવા સુરક્ષા દળને તૈનાત કરવામાં આવે. અરજદારે જણાવ્યું કે, અહીં ધાક-ધમકીનું પ્રમાણ એટલી હદે છે કે, લોકો મતદાન કરતા નથી અને પરિણામે બોગસ મતદાન પણ થાય છે. આથી 73 જેટલા બૂથને ક્રીટિકલ જાહેર કરવાની અરજદારની માંગ છે.
અગાઉ વિધાનસભાની ચૂંટણી દરમિયાન પણ આ બૂથને ક્રિટિકલ જાહેર કરવાની રજૂઆત કરાવામાં આવી હતી, પરંતુ લોકસભાની ચૂંટણીમાં પણ તેમને ક્રીટિકલ જાહેર કરવામાં આવી નથી. ભાજપના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા મતદારો કોને મત આપશે, આ અંગેની લોકો પર દબાણ કરતા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. લોકો ખુલીને મતદાન કરી નથી શકતા. આ કારણોસર હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.
ભાજપ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને હત્યાના કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. ત્યારબાદ તેમને ગોંડલ ન છોડવાની શરતે જામીન આપવામાં આવ્યા હતા, પરતું તેનો ભંગ કરતા અને લોકોને ડરાવતા ફોટા અરજદારે હાઈકોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. આ મામલે આગામી દિવસોમાં ચૂંટણી પંચ જવાબ રજૂ કરશે.