અમદાવાદ: વડોદરા જિલ્લાના જરોદ ગામના ડિમ્પલબેન શાહ નામના મહિલા ગંભીર ગણાતી ફેફસાની બીમારીનો ભોગ બન્યાં હતાં. સ્થિતિ એવી સર્જાય હતી કે, તેઓ ઓક્સીજન સિસ્ટમ વગર ક્યાંય પણ જઈ શકતા ન્હોતા. બીજી તરફ તેમની આર્થીક સ્થિતી પણ નબળી જણાતા તેમના સારવારના ખર્ચને પહોંચી વળવા જનભાગીદારી દ્વારા ક્રાઉડ ફંડિંગ, ગુજરાત સરકારની સહાય અને હોસ્પિટલની સહાય સહિત તમામ પરિબળોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી અને આજે તેઓ એકદમ સ્વસ્થ જીવન જીવી રહ્યાં છે. ડિમ્પલબેનનું કહેવું છે કે, ન માત્ર તેમની બીમારી દુર થઈ છે, પરંતુ તેમને તબીબોએ એક નવું જીવન આપ્યું છે.
અંગદાને આપ્યું નવજીવન: ડિમ્પલ બેનનું તમામ પ્રકારે બીમારીનું મૂલ્યાંકન બાદ ડોકટરોની ટીમે બંને ફેફસાં ટ્રાન્સપ્લાન્ટ કરવાનું નક્કી કર્યુ. અને આ માટે ફેફસાની યોગ્ય જોડી માટે રાજ્ય ટ્રાન્સપ્લાન્ટ રજિસ્ટ્રીમાં નોંધણી કરવામાં આવી હતી. જેના પગલે એક ઓગણીસ વર્ષીય બ્રેઈન ડેડ થયેલી યુવતીના પરિવાર તરફથી ફેફસા ડોનેટ કરવાની તૈયારી બતાવતા હોસ્પિટલ દ્વારા ડિમ્પલબેનને જાણ કરવામાં આવી અને આમે એક જટિલ પ્રક્રિયા દ્વારા ડિમ્પલના શરીરમાં તંદુરસ્ત ફેફાસાનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું.
દાતાની શોધ એક પડકાર: રેલા હોસ્પિટલના સિનિયર કન્સલ્ટન્ટ ડો. આર. મોહને જણાવ્યુ હતું કે, ડિમ્પલબેન શાહની સ્થિતિને જોતા તેમના અનુરૂપ ફેફસા સાથે દાતા શોધવાનો એક મોટો પડકાર હતો, પરિણામે આઠ મહિનાની રાહ જોયા બાદ આખરે દાતાની શોધ પૂર્ણ થઈ અને રેલા હોસ્પિટલમાં તેમનું સફળતાપૂર્વક ડબલ લંગ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું .
8 કલાક ચાલી શસ્ત્રક્રિયામાં: રેલા હોસ્પિટલના મુખ્ય હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જન પૈકીના એક ડો. પ્રેમ આનંદ જ્હોને જણાવ્યું હતું કે, ડિમ્પલબેન શાહની બીમારી ખુબ ગંભીર સ્થિતિએ પહોંચી ગઈ હતી અને કોઈપણ સારવાર તેમના માટે અસરકારક રહી ન હતી. તેમના શરીરમાં ફેફસા કામ કરતા બંધ થઈ ગયાં હતાં અને તેમના શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ દૂર કરવામાં પણ મુશ્કેલી પડી રહી હતી, જેના કારણે તેણીનો કેસ તાકીદનો હતો. ડબલ લંગ ટ્રાન્સપ્લાન્ટ સર્જરીમાં આઠ કલાકનો સમય લાગ્યો હતો અને સર્જન, એનેસ્થેટિસ્ટ, પરફ્યુઝનિસ્ટ અને સર્જીકલ સહાયકો સહિત તમામ તબીબી નિષ્ણાતોની ટીમ દ્વારા શસ્ત્રક્રિયા કરવામાં આવી હતી.