અમદાવાદઃ કોરોના વાઇરસની મહામારીમાં કોરોના વોરિયર્સ સતત આગળ પડતા લડી રહ્યા છે. તેમને સાથ આપવા માટે સમગ્ર ગુજરાતના શૈક્ષણિક મહાસંઘ દ્વારા સરકારને વિનંતી કરવામાં આવી હતી કે, જો સરકાર તેમને પણ દેશહિતનું કામ સોંપશે, તો તેઓ પણ તે કામ હોંશેહોંશે કરશે.
શૈક્ષણિક મહાસંઘની આ જાહેરાતથી સરકારે તેમને રાશન વિતરણ વ્યવસ્થાનું કામ સોંપ્યું હતું. પરંતુ યોગ્ય સાધનોના અભાવે કેટલાક શિક્ષકો કોરોના વાઇરસનો ભોગ બન્યા હતા. જેમાં અત્યાર સુધીમાં બે શિક્ષકોના મોત નિપજ્યા છે. ત્યારે હવે શૈક્ષણિક મહાસંઘે સરકાર સમક્ષ માંગ કરી છે કે, કોવિડ-19 સ્પેશિયલ કામગીરી દરમિયાન જે શિક્ષકો મૃત્યુ પામે તેમને સરકાર દ્વારા 25 લાખ રૂપિયાની સહાય ચુકવવામાં આવે.
આ સાથે-સાથે શિક્ષકોને હેન્ડ સેનિટાઇઝર, માસ્ક અને ગ્લોવ્ઝ જેવી જરૂરી ચીજવસ્તુઓ પૂરી પાડવામાં આવે. આ અંગે શૈક્ષિક મહાસંઘે ગુજરાત સરકારના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના સચિવને પત્ર લખીને પોતાની માંગો જણાવી છે.