મહેસાણા: આજના યુગમાં સાયબર ક્રાઇમની ઘટનાઓમાં ખૂબ જ વધારો થયો છે. ગઠીયાઓ લોકોને અવનવી લોભામણી લાલચ આપીને ઠગતા હોય તેમજ બેંક સ્કેમ કરીને લોકોને ઠગી લેતા હોય તેવા કિસ્સાઓ અવારનવાર આપણે જોતા હોઇએ છીએ. ત્યારે ગઠીયાઓએ લોકોને ઠગવાનો નવો જ પૈંતરો શોધી કાઢ્યો છે જે છે ડિજિટલ અરેસ્ટ, હાલ આ મુદ્દો ખૂબ જ ચર્ચામાં છે. ત્યારે મહેસાણાના એક કોન્ટ્રાક્ટર સાથે આવી ઘટના બની છે. જે પોતાની જાગૃતતાને કારણે ડિજિટલ અરેસ્ટ થતા બચી ગયા છે.
કોન્ટ્રાક્ટર ડિજિટલ અરેસ્ટ થતા બચ્યો: મહેસાણાના આ કોન્ટ્રાક્ટરે સમય સૂચકતા વાપરીને ગઠીયાઓની જાળમાંથી ફસાતા બચી ગયા હતા. ત્યારે કોન્ટ્રેક્ટર અલ્પેશ પટેલે જણાવ્યું હતું કે, શુક્રવારના રોજ તેમના ફોન પર એક સામાન્ય ફોન આવ્યો હતો. ત્યારે સામેની વ્યક્તિએ કહ્યું કે, તમારા નામે નોંધાયેલા નંબર અને સિમકાર્ડનો ઉપયોગ હેરેસમેન્ટ અને વાયલન્સમાં થયો છે અને તમારી સામે દિલ્હી પોલીસમાં ફરિયાદ થઇ હોવાનું કહી ડિજિટલ અરેસ્ટ કર્યા હતા.
વ્હોટ્સઅપ કોલ આવ્યો: ગઠીયાએ દિલ્હી પોલીસની છાપ ધરાવતી ખાખી વરદી પહેરીને નકલી ઓફિસર બનીને દિલ્હી પોલીસના નામે કોન્ટ્રાક્ટરને વ્હોટ્સઅપ વિડીયો કોલ કર્યો હતો. સતત 25 મિનિટ સુધી વાતચીત કરી હતી અને નકલી ઓફિસરે કહ્યું કે, તમે તમારા નંબરનો દુરુપયોગ કર્યો છે. તેમ કહીને ડિજિટલ અરેસ્ટ કર્યો હતો, પણ કોન્ટ્રાક્ટરે આ ગઠિયાઓ રુપિયા પડાવે તે પહેલા જ તેમની સમયસૂચકતા અને જાગૃતતાને પરિણામે ફોન કરનારા આરોપીએ ફોન કટ કરીને મૂકી દીધો હતો.
કોન્ટ્રાક્ટરે સમગ્ર ઘટના મોબાઇલમાં કેદ કરી: આ ફોન કોલ ભારતના નંબર ઉપરથી વ્હોટ્સઅપ પર કોલ આવ્યો હતો અને બીજા દેશનાં નંબર ઉપરથી આ કોલ આવ્યો હતો. ત્યારે પોતાની જેમ અન્ય યુવાનો પણ આવી છેતરપિંડીથી બચી શકે તે માટે અલ્પેશ પટેલે પોતાની સાથે બનેલી ડિજિટલ અરેસ્ટની ઘટના અન્ય મોબાઇલમાં રેકોર્ડ કરી લીધી હતી. ત્યારે આ વ્યક્તિને પૈસા બાબતે કોઇ છેતરપિંડી ન થઇ હોવાથી તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી નથી. આવી બનતી બાબતોથી આજના યુગમાં લોકોએ સાવચેત રહેવું ખૂબ જ આવશ્યક છે.
આ પણ વાંચો: