અમદાવાદઃ એપ્રિલ મહિનામાં કાળઝાળ ગરમીને કારણે લોકો પરેશાન થઈ ગયા હતા ત્યારે મે મહિનાની શરૂઆતની સાથે જ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. અમદાવાદ સહિત રાજ્યના લગભગ તમામ શહેરોમાં ગરમીમાં નોંધપાત્ર ઘટાડો નોંધાતા અસહ્ય ગરમીથી લોકોને રાહત મળી હતી. સાયક્લોન સર્ક્યુલેશનની અસરને કારણે અમદાવાદ શહેરમાં વહેલી સવારે ઠંડા પવનો ચાલુ રહેતા ગરમીથી રાહત મળી હતી.
આગામી પાંચ દિવસ સુધી તાપમાનમાં ઘટાડો થશે. જેના કારણે લોકોને ગરમીથી રાહત મળશે તો આજે અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન ૪૦.૪ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૬.૮ ડિગ્રી નોંધાયું હતું.
આગામી દિવસોમાં સાયક્લોન સર્ક્યુલેશનની અસરને કારણે ૯ અને ૧૦ મેના રોજ ગુજરાતમાં વાવાઝોડું આવવાની સંભાવના છે. 9 તારીખે કચ્છ અને સૌરાષ્ટ્રમાં તથા 10 તારીખે બનાસકાંઠા, પોરબંદર, રાજકોટ, અમરેલી અને કચ્છમાં વાવાઝોડુ આવવાની શક્યતા છે. જેની અસર અમદાવાદ શહેરમાં પણ જોવા મળશે અને આગામી પાંચ દિવસ સુધી વાતાવરણમાં સતત ઘટાડો નોંધાયો છે. જેથી લોકોને ગરમીથી રાહત પણ મળી છે.
ટ્રફને કારણે ૮ થી ૧૨ મે દરમિયાન વાદળછાયું વાતાવરણ વિશે જેના કારણે અમુક વિસ્તારોમાં વરસાદી ઝાપટાઓથી લઈ હળવો વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.