અમદાવાદ: પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં સર્જાયેલા અત્યંત ખૌફનાક ચક્રવાતી વાવાઝોડા બિપરજોયને લઈને સમગ્ર દેશમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વાવાઝોડું હાલ ગુજરાતના તટીય વિસ્તારોની નજીક આવી રહ્યું છે. હાલ આ ચક્રવાત 12થી 15 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે. આ ભયાનક વાવાઝોડાની અસર ગુજરાત અને પાકિસ્તાન પર થવાની સંભાવનાઓ જોવાઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 15 જૂને બપોરે ચક્રવાત 130 થી 135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટકરાશે.
પૂર ઝડપે વાવાઝોડું આગળ વધી રહ્યું છે: બીજી તરફ હવામાન વિભાગ દ્વારા બિપોરજોય વાવાઝોડાને લઈને સતત અપડેટ આપવામાં આવી રહ્યા છે. હવામાન વિભાગના અપડેટ મુજબ 15 જૂને સાંજે ગુજરાતના દરિયા કિનારે બિપરજોય વાવાઝોડું ટકરાવાની સંભાવનાઓ છે. આ સાથે 130 થી 135 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફુંકાશે. આ વાવાઝોડાની અસર આખા ગુજરાતમાં જોવા મળશે. જોકે હાલ જેમ જેમ સમય આગળ વધી રહ્યો છે તેમતેમ બિપરજોય વાવાઝોડાનો ખતરો સમયની સાથે વધી રહ્યો છે. હાલના લેટેસ્ટ અપડેટ પ્રમાણે વાવાઝોડુ દ્વારકાથી 280 તો પોરબંદરથી 300 કિલોમીટર દૂર પહોંચી ચૂક્યું છે.
ભારે વરસાદ: ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા રાહત અને બચાવ કામગીરી માટે તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. બિપરજોય ચક્રવાત ને લઈને તંત્ર પણ સજ્જ થયું છે ત્યારે 15 જૂને વાવાઝોડું ત્રાટકવાની દહેશતને પગલે લોકોના અધ્ધર થઈ ગયા છે. બિપરજોય વાવાઝોડાને પગલે ગઈકાલથી ગુજરાતના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો છે. કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વીજળીના કડકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. બિપોરજોય વાવાઝોડાને કારણે ગુજરાતમાં આજે અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઇ છે.
21 હજારથી વધુ લોકોનું સ્થળાંતર: આ સાથે ગીર સોમનાથ, દીવમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. આ તરફ સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લામાં 70 કિમીની ઝડપે તોફાની પવન ફૂંકાશે. બિપર્જોય ચક્રવાત ગુજરાતના દરિયાકાંઠે ટકરાવાનું છે જેને પગલે અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી અત્યાર સુધીમાં 21 હજારથી વધુ લોકોનું સ્થળાંતર થઈ ગયું છે. હજુ પણ સ્થળાંતરની કામગીરી પ્રગતિમાં છે જે સાંજ સુધીમાં પૂર્ણ થશે. અત્યાર સુધી જૂનાગઢ જિલ્લામાં 500, કચ્છમાં 6786, જામનગરમાં 1500 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. પોરબંદરમાં 543, દ્વારકામાં 4820, ગીરસોમનાથમાં 408 લોકોનું સ્થળાંતર કરાયું છે જ્યારે મોરબીમાં 2000 અને રાજકોટમાં 4031 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.