ગાંધીનગર : ગુજરાતના કચ્છ જિલ્લાના જખૌ બંદરે 15 જુનના સાંજે 6.30 કલાકથી બિપરજોય વાવાઝોડાનું લેન્ડ ફોલ થયું હતું. જેમાં કચ્છ જિલ્લામાં ભારે નુકશાન સામે આવ્યું છે, મોડી રાત્રે સીએમ ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા બેઠક કર્યા બાદ આજે સવારે ફરી તેમણે મુખ્ય સચિવ રાજકુમાર અને અન્ય વિભાગના અધિકારીઓ સાથે પ્રભવિત જિલ્લાના કલેક્ટર સાથે વિડીઓ કોનફરન્સ યોજીને પરિસ્થિતિની સાચી માહિતી મેળવી હતી.
વાવાઝોડાના કારણે કચ્છ જિલ્લામાં કુલ 65 જેટલા ઝૂંપડાઓ અને 20 જેટલા કાચા મકાનો સંપૂર્ણ રીતે નાશ પામ્યા છે. ભારે પવન અને વરસાદના કારણે આ નુકસાન થયું છે. જ્યારે બે પાકા મકાનોમાં પણ નુકસાની પ્રાથમિક તબક્કે સામે આવી છે. જ્યારે કચ્છ જિલ્લામાં હજુ ભારે પવનના કારણે સાચો આંકડો આવવાનો બાકી છે ત્યારે આ પ્રાથમિક આંકડા સામે આવ્યા છે...આલોક કુમાર પાંડે (રાહત કમિશનર આલોક કુમાર પાંડે)
4629 ગામની વીજળી ડુલ : વાવાઝોડાની અસર બાબતે રાહત કમિશનર પાંડે વધુમાં જણાવ્યું હતું કે વાવાઝોડાને કારણે 4629 ગામોમાં વીજળીનો પુરવઠાને અસર થઈ હતી. જેમાં અત્યાર સુધીમાં 3580 ગામોમાં વીજળી રીસ્ટોર કરવામાં આવી છે અને 1000 ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ વીજળી નથી જે ટૂંક સમયમાં રીસ્ટોર કરવામાં આવશે.પીજીવીસીએલ દ્વારા જે વીજના થાંભલાઓ પડી ગયા છે તે થાંભલાઓને પણ અત્યારે હાલ રીસ્ટોર કરવામાં આવી રહ્યા છે.
કેસ ડોલ્સની જાહેરાત : વાવાઝોડાના કારણે અનેક ગ્રામ્ય વિસ્તારોમાં કાચા પાકા અને ઝૂંપડાને અંશત અથવા તો પૂર્ણ રીતે નુકસાન થયું છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા આજે સવારે જ બિપરજોય વાવાઝોડાથી આઠ પ્રભાવી જિલ્લાઓમાં કચ્છને છોડીને સાત જિલ્લાઓને કલેકટરને તાત્કાલિક ધોરણે સર્વે કરવાની સૂચના આપવામાં આવી છે અને તેનો લેખિત રિપોર્ટ રાજ્ય સરકારને સાંજ સુધીમાં મળે તે રીતે સરકારે દ્વારા જિલ્લા કલેકટરને સૂચના આપવામાં આવી છે.ે ત્યારબાદ રાજ્ય સરકાર કેશડોલની જાહેરાત કરશે.
ફિલ્ડમાં જઈને સર્વે કરવાની સૂચના :ઉલ્લેખનીય છે કે કચ્છ જિલ્લામાં હજુ પણ 80થી 100 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાઈ રહ્યો છે. ત્યારે કચ્છ જિલ્લાને રાહત હાલના તબક્કે આપવામાં આવી છે અને જ્યારે હવાની ગતિ ઓછી થશે ત્યારે ફિલ્ડમાં જઈને સર્વે કરવાની સૂચના પણ રાજ્ય સરકારે દ્વારા આપવામાં આવી છે.
એક પણ મૃત્યુ નહીં : ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું ચક્રવાત 15 જૂને સાંજે 6:30 કલાકથી કચ્છના જખૌ બંદર ખાતે લાઈનફોલની પ્રક્રિયા શરૂ થઈ હતી. પરંતુ રાજ્ય સરકાર દ્વારા આગોતરી કાર્યવાહી અને અંતિમ સમયે વાવાઝોડાનું લેન્ડફોલનું સ્થળ બદલવાના કારણે હાલની પરિસ્થિતિમાં એક પણ માનવ મૃત્યુ નોંધાયું નથી જ્યારે મોડી રાતના રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ નિવેદન આપ્યું હતું કે કુલ 22 જેટલા પશુઓના મૃત્યુ નોંધાયાં હતાં.
NDRF દ્વારા કામગીરી શરૂ : બિપરજોય વાવાઝોડાના કારણે કચ્છમાં 500થી વધુ વૃક્ષો ભારે પવનના કારણે ધરાશાયી થયા છે ત્યારે ત્રણ જેટલા રોડ બંધ કરી દેવામાં આવ્યા છે. આ ત્રણ રસ્તા પૈકી એક રસ્તામાં ખૂબ જ ઝાડ રસ્તા ઉપર હોવાના કારણે રસ્તો બંધ છે. જ્યારે અન્ય બે રસ્તાઓ ડેમેજ થવાના કારણે બંધ કરવામાં આવ્યા છે. આ ત્રણેય રસ્તાઓ કચ્છ જિલ્લાના છે. ઝાડ પડી જવાના કારણે રસ્તાઓ મોટેરેબલ બનાવવા માટે એનડીઆરએફની ટીમ દ્વારા હાલમાં ઝાડ કાપવામાં આવી રહ્યા છે. ઉપરાંત રાજકોટ જિલ્લામાં પણ વન વિભાગની 25 ટીમો દ્વારા વાવાઝોડાના કારણે ધરાશાયી થયેલ 70થી વધુ વૃક્ષોને રસ્તા પરથી દૂર કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
રાજસ્થાન તરફ આગળ વધ્યું વાવાઝોડું : હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ વાવાઝોડું કચ્છ જિલ્લાથી રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે ત્યારે ગુજરાતના ઉત્તર ગુજરાત તરફ આગળ વધશે. અને જેથી બનાસકાંઠા પાટણ જેવા જિલ્લાઓમાં 16 અને 17 તારીખે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે અને હાલ આ વાવાઝોડું કચ્છથી ઉત્તર ગુજરાત તરફ થઈને રાજસ્થાન તરફ આગળ વધી રહ્યું છે.