પાંજરાપુર સર્કલ પાસે BRTS બસ દ્વારા અકસ્માતમાં બે સગા ભાઈઓના મોત બાદ ગુરુવારે કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ બહાર BRTS કોરિડોર હટાવો નિર્દોષને બચાવોના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. મૃતકના પરિવારને ન્યાય મળે તે માગ સાથે ઉગ્ર દેખાવો કર્યો હતો. વિરોધના પગલે કોર્પોરેશન ઓફિસ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. જ્યારે કોંગ્રેસ પક્ષ નેતા દિનેશ શર્મા સહિત તમામ કાર્યકરોએ કોર્પોરેશન ઘેરાવ કર્યો હતો. જ્યાં અંદર પ્રવેશ કરવા સમયે કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું અને પોલીસે આ કાર્યકરોને બળપ્રયોગ કરી દૂર કર્યા હતા. આવેદનપત્ર આપવા સમયે ઓફિસમાં હાજર નહોતા ત્યારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને આવેદનપત્ર આપ્યું હતું.
AMCના વિપક્ષ નેતા દિનેશ શર્માએ જણાવ્યું કે, શહેરમાં BRTSના લીધે અત્યાર સુધી ઘણા જીવ ગયા છે અને તેના લીધે જ બીઆરટીએસ કોરિડોર હટાવવાની અમારી માગ છે. જો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ભાજપ આ વિરુદ્ધ કોઇ પગલાં લેશે નહીં તો કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા બીઆરટીએસના રસ્તા અને કોરિડોર ખેડવામાં એક મિનિટનો પણ વિચાર કરશે નહીં. બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અમુલ ભટ્ટ જણાવે છે કે, આ ઘટના ખુબ જ દુર્ઘટના છે. આ ઘટનામાં સંડોવાયેલા કોન્ટ્રાકટર તથા બસ ડ્રાઈવરને છોડવામાં આવશે નહીં ડ્રાઈવરને તો કાયમ માટે છૂટો કરી દેવામાં આવ્યો છે. કોન્ટ્રાક્ટરની સામે પણ પગલાં લેવામાં આવશે.