અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની(Gujarat Assembly Elections) તારીખો જાહેર થઈ ચૂકી છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણી જીત માટે રાજકીય બેઠકોનો દાવપેચ શરૂ કરી દીધો છે. રાજકીય પક્ષો જોર-શોરથી તૈયારીઓ કરી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને(Gujarat Assembly Elections) આડે હવે માંડ વીસેક દિવસ બાકી રહ્યાં છે. ભાજપે બંને તબક્કામાં 160 ઉમેદવારો જાહેર કરી દીધા છે. બીજી બાજુ આમ આદમી પાર્ટીએ પણ લગભગ મોટાભાગની બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધાં છે. કોંગ્રેસ પાર્ટીએ અત્યાર સુધીમાં કુલ 89 ઉમેદવારોની જાહેરાત કરી છે. કોંગ્રેસ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જંગ જીતવા આ વખતે કંઈક જ અલગ રણનીતિ ઘડી રહી છે. બીજી બાજુ શંકરસિંહ વાધેલા પણ કોંગ્રેસમાં જોડાઈ શકે તેવી અટકળો વહેતી થઈ છે. ત્યારે આજે ગુજરાત કોંગ્રેસ અને NCP વચ્ચે ગઠબંધન(Congress NCP alliance ) થયું છે.
3 બેઠકો પર ગઠબંધન: આજે કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસ અને NCP વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં ગઠબંધનને લઈને ચર્ચા કરાઈ હતી. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર અને જયંત બોસ્કી વચ્ચેની આ બેઠક સફળ રહી હતી. NCP-કોંગ્રેસ વચ્ચે 3 બેઠકો પર ગઠબંધન થયું છે. આ અંગે જણાવતા ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં ત્રણ સીટો પર અમે એનસીપી સાથે ગઠબંધન કર્યું છે. ઉમરેઠ, નરોડા અને દેવગઢ બારીયા આ ત્રણ સીટો પર અમારું ગઠબંધન છે. કોંગ્રેસ આ ત્રણેય બેઠકો પર NCPની સાથે મળીને ચૂંટણી લડશે.
કુતિયાણામાં ત્રિપાંખિયો જંગ: કુતિયાણામાં NCP પોતાના ઉમેદવાર નહીં ઉભા રાખે. NCP કુતિયામામાં કાંધલ જાડેજાને મેન્ડેટ આપશે નહીં. ઉમરેઠ-નરોડા-દેવગઢ બારીયા બેઠક પર NCPના ઉમેદવાર ચૂંટણી લડશે. હવે ગોંડલથી રેશમા પટેલ અને કુતિયાણાથી કાંધલ જાડેજા અટવાઈ પડ્યાં છે. જેથી કાંધલ જાડેજા અપક્ષ ચૂંટણી લડશે. ઉલ્લેખનીય છે કે કાંધલ જાડેજા છેલ્લી બે ટર્મથી કુતિયાણાથી NCPના ધારાસભ્ય છે. કુતિયાણામાં કોંગ્રેસ,ભાજપ અને કાંધલનો ત્રિપાંખિયો જંગ થશે.