અમદાવાદ: જામનગરના 14 વર્ષીય અંકિત ગોંડલીયાને નવેમ્બર 2022માં પેશાબમાં લોહી નીકળતા તાત્કાલિક સારવાર અર્થે અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં જરૂરી રિપોર્ટ કરાવતા કિડનીનું કેન્સર હોવાનું નિદાન થયું. જેની સારવાર અર્થે કિમો થેરાપી શરૂ કરવામાં આવી.
વિશ્વમાં માત્ર 100 જેટલા કેસ: આ કેન્સરને ઇવીંગ્સ સાર્કોમા કહેવામાં આવે છે. જે ખૂબ જ રેર છે. આ પ્રકારનું ઇવીંગ્સ સાર્કોમા સામાન્યપણે હાડકામાં થતું કેન્સર છે. વિશ્વમાં અંદાજિત 100 જેટલા લોકોમાં જ આ પ્રકારના કેસ જોવા મળ્યા હોવાનું સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ અને બાળ રોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું છે.
કેન્સર વધારે પ્રસરતાં સર્જરીનો લેવાયો નિર્ણય: GCRI માં સાધન સારવાર શરૂ કરીને 9 જેટલી સાઇકલ કીમો થેરાપી આપવામાં આવી. પરંતુ આ કેન્સર એટલું ગંભીર હતું કે કિડનીની નસ અને શરીરની ધોળીનસમાં ટ્યુમર થ્રોમ્બોસીસ ખૂબ જ ઝડપથી આ પ્રસરી રહ્યું હતું. જેના કારણે તેની સર્જરી કરવી આવશ્ય બની રહી હતી. કીમો થેરાપીની 9 સાયકલ આપવા બાદ પણ થ્રોમ્બોસીસ એટલે કે સોજો અને ટ્યુમર ઓછું ના થતા અંતે તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળ રોગ સર્જરી વિભાગમાં સર્જરી માટે ટ્રાન્સફર કરવામાં આવ્યા. બાળ રોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોશી અને તેમની ટીમ દ્વારા આ દર્દીની સર્જરી હાથ કરવામાં આવી હતી.
સર્જરી બાદ બાળક સ્વસ્થ: અત્યંત ગંભીર અને રેર કહી શકાય તેવી આ સર્જરીમાં વાસક્યુલર સર્જનની પણ ખૂબ જ જરૂર હતી. જે કારણોસર અમદાવાદ સિવિલ મેડીસીટીના જ યુ.એન. મહેતા ઇન્સ્ટીટયુટના વડા અને સર્જન ડૉ. ચિરાગ દોશીની આ સર્જરીમાં મદદ લેવામાં આવી. આ ટ્યુમરમાં થ્રોમ્બોસીસનો અત્યંત જટિલ ભાગ હતો તે દૂર કરવામાં આવ્યો. સર્જરી બાદ બાળક સ્વસ્થ છે અને તેને ડિસ્ચાર્જ કરાયુ છે. ફરી આગળ બીજી સાત કિમો થેરાપી લેવાની છે. આશા રાખીએ બાળક કેન્સર મુક્ત થઈ જાય અને સ્વસ્થ જીવન જીવી શકશે તેમ ડૉ.જોશીએ જણાવ્યું હતું.