કારંજ પોલીસ સ્ટેશન શહેરનો સંવેદનશીલ વિસ્તાર ગણવામાં આવે છે. પરંતુ કેટલાય સમયથી કારંજમાં કોઈ જ અણબનાવ બન્યો નથી. આ વિસ્તારમાં હિંદુ અને મુસ્લિમ લોકો સાથે મળીને રહે છે. પહેલા આ વિસ્તારોમાં જૂથ અથડામણ, હિંદુ-મુસ્લિમ વચ્ચે ઝઘડા જેવા અનેક બનાવો બની ચુક્યા છે. રથયાત્રા પણ આ વિસ્તારમાંથી પસાર થઇ હતી. જે પણ શાંતિ પૂર્ણ અને કોમી એકતા સાથે પૂર્ણ થઇ હતી. તો રમઝાન માસની પણ લોકોએ ધામધૂમથી શાંતિપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી હતી.
કારંજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PI એફ.એમ.નાયબ પોતે મુસ્લિમ છે. છતાં હિંદુ ધર્મ મુજબ ધર્મનું મહત્વ જળવાઈ રહે અને કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ કરી રહે તે રીતે કથા કરી હતી. કથામાં PI નાયબની સાથે તેમની પત્નીએ પણ ભાગ લીધો હતો. બંને પતિ-પત્નીએ કથામાં વિધિવત રીતે મંત્રોચાર કરીને આરતી સાથે પૂર્ણ કરી હતી.
PI નાયબે જણાવ્યું હતું કે, તેમને સૌ પ્રથમ વખત આ પ્રમાણે હિંદુ કથા કરી હતી. બંને ધર્મ એક જ સંદેશો પૂરો પાડે છે. તેઓ છેલા ૨ વર્ષથી કારંજ પોલીસ સ્ટેશનમાં ફરજ નિભાવે છે. કથામાં પણ તેમને શાંતિ અને સલામતી ભગવાન પાસેથી મળી રહે તેવી જ પ્રાર્થના કરી હતી.