અમદાવાદ: કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ સંસ્થાનું વડુંમથક દિલ્હી ખાતે આવેલું છે. તેણે જણાવ્યું છે કે, કોરોનાવાયરસ ચીનમાંથી સમગ્ર વિશ્વમાં ફેલાયો છે અને સમગ્ર વિશ્વના દેશો તેની અસર ભોગવી રહ્યાં છે. તેમ છતાં ચીન શરમ કર્યા વગર પાડોશી દેશો સાથે ઘર્ષણમાં ઉતરે છે. તેની મુખ્ય તાકાત તેની આર્થિક વ્યવસ્થા છે. આથી જો તેની પર પ્રહાર કરવામાં આવે તો તેની કમર તૂટી જાય. જેથી CAIT દ્વારા ત્રણ હજાર જેટલી વસ્તુઓનું લિસ્ટ બનાવવામાં આવ્યું છે. આ દરેક વસ્તુઓ ભારતમાં તૈયાર થાય છે. પરંતુ ચીનની વસ્તુ સસ્તી હોવાથી તેનું માર્કેટ વધુ છે. તેથી ભારતની વસ્તુઓની ખરીદી વધે અને ચીનની તકલાદી વસ્તુઓની માગ ઘટે તે માટે આ મહત્વનો નિર્ણય લેવાયો છે.
CAIT નેશનલ ચેરમેન મહેશ શાહે જણાવ્યું હતું કે, અત્યારે વ્યાપારીઓ પાસે જેટલો ચીનનો માલ પડયો છે તે વેચાઈ જાય ત્યારબાદ નવા માલ માટે કોઈપણ ઓર્ડર અપાશે નહીં કે તેની આયાત કરાશે નહીં. આ સંસ્થા દ્વારા અત્યારે CAITના લોગોવાળા માસ્ક અને ચાના કપ તૈયાર કરાયાં છે. જે દ્વારા લોકોને ભારતીય વસ્તુ ખરીદવા માટે પ્રોત્સાહન પુરૂં પાડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે,અગાઉ પણ ચીન સાથે ઘર્ષણ વખતે આ સંસ્થા દ્વારા ચાઈનીઝ વસ્તુઓના વેચાણનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો.
જોકે સત્ય એ પણ છે કે અત્યારે મોબાઇલ જેવી ટેકનોલોજિકલ વસ્તુઓનું ઓછી કિંમતે ઉત્પાદન કરવું તે ભારત માટે શક્ય નથી. તેથી મોબાઇલ જેવી વસ્તુઓ માટે ટેકનોલોજી વિકસાવવા 31 ડીસેમ્બર 2021 સુધીની મુદત નક્કી કરાઇ છે. આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'આત્મનિર્ભર ભારત' તરફ એક પગલું હશે.