જસ્ટીસ એ.એસ. સોફૈયાએ ચુકાદામાં નોધ્યું કે, વર્ષ 2017માં કલ્યાણપુર મેજીસ્ટ્રેટ દ્વારા ઈમપેરીયલ માઈનિંગ સિન્ડિકેટ નામની કંપની પર કર્મચારીઓને પુરતું લઘુમત વેતન, બોનસ સહિત ન આપવાનો આક્ષેપ છે. જેને લઈને સમન્સ પાઠવવામાં આવ્યું હતું. જોકે ધારાસભ્ય પભુબા માણેક તેના માલિક કે ડિરેક્ટર ન હોવાનું સાબિત થતાં હાઈકોર્ટે ક્રિમિનલ ફરિયાદ રદ કરી છે.
અરજદાર પભુબા માણેક વતી વકીલ વિજય ન્નઘેશે રજુઆત કરી હતી કે, બે વર્ષ અગાઉ કેન્દ્રિય લેબર એન્ફોર્સમેન્ટના ઈન્સપેક્ટર ફારૂક હુસૈન શેખે ઈમ્પેરિયલ માઈનિંગ સિન્ડિકેટમાં તપાસ કરતા લઘુમત વેતન એક્ટ 1948ના સેક્શન 22(A)નું ઉલ્લઘંન થતું હોવાનું સામે આવતા અરજદાર પભુબા માણેકને ખનન કંપનીના માલિક ગણાવી ઈન્સપેક્શન રિપોર્ટ જામનગર ખાતે મોકલવામાં આવી હતી. જ્યાં RPADથી રિપોર્ટનો સ્વીકાર ડી.કે. લોધિયા નામના યુવાન દ્વારા કરવામાં આવ્યું હતું.
જેને અરજદાર પભુબા માણેક ઓળખતા નથી અને ઈમ્પેરિયલ માઈનિંગ કંપનીના માલિક કે ડિરેક્ટર હોય તેવું સાબિત થતું નથી. જેને માન્ય રાખીને હાઈકોર્ટે કલ્યાણપુર મેજીસ્ટ્રેટ કોર્ટમાં દાખલ ક્રિમિનલ ફરિયાદ રદ જાહેર કરી છે. આ સમગ્ર બનાવની વિગત એવી છે કે, કેન્દ્રિય લેબર એન્ફોર્સમેન્ટે તપાસ બાદ દ્વારકાના ધારાસભ્ય પભુબા માણેકને ઈમ્પેરિયલ માઈનિંગના માલિક ગણાવી રિપોર્ટ મોકલી હતી. જેનો સ્વીકાર અજાણીયા વ્યકિત દ્વારા કરવામાં આવ્યો અને ત્યારબાદ માણેક વિરૂદ્ધ કલ્યાણપુર મેજીસ્ટ્રેટ કોર્ટમાં ક્રિમિનલ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેને રદ કરવા પભુબા માણેકે ક્વોશિંગ પીટીશન દાખલ કરી હતી.