અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly election 2022)ની ભાજપે આજે 160 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરીને નવા 85 ચહેરાને હસાવી દીધા છે, અને સરપ્રાઈઝ આપી દીધી છે. પણ યાદીનું વિશ્લેષણ કરીએ ભાજપે તમામ જ્ઞાતિને ન્યાય આપીને સમીકરણ સેટ કર્યા છે. તેમજ આદિવાસી બેલ્ટને પણ સાચવ્યો છે.
જ્ઞાતિ | ટિકિટ |
પાટીદાર | 39 |
ક્ષત્રિય | 9 |
બ્રાહ્મણ | 10 |
બક્ષીપંચ/ઓબીસી | 47 |
અનુ. જાતિ | 15 |
અનુ. જન જાતિ | 20 |
જૈન | 4 |
કોળી | 15 |
પાટીદારોનો દબદબો યથાવત રહ્યો: ગુજરાતના રાજકારણમાં પાટીદારોનો દબદબો રહ્યો છે. કડવા લેઉઆ થઈને કુલ 39 પાટીદારોને ટિકિટ (39 Patidars) આપી છે. અને પાટીદારોને ખુશ કર્યા છે. તેમજ આગામી સીએમ પદે પણ ભૂપેન્દ્ર પટેલ જ રહેશે, તેવી જાહેરાત કરી દીધી છે. ખોડલધામવાળા નરેશ પટેલ રાજકારણમાં નથી આવ્યા, પણ ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળાને ભાજપમાંથી ટિકિટ અપાવવામાં સફળ રહ્યા છે. ખોડલધામ ટ્રસ્ટી મંડળ તાજેતરમાં જ દિલ્હી જઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી આવ્યા હતા, ત્યારે વાત હતી કે પીએમ મોદીને ખોડલધામ આવવાનું આમંત્રણ આપ્યું છે. પણ આ તો ટ્રસ્ટીને ટિકિટ મળી ગઈ છે. નરેશ પટેલનો હાથ ઉપર રહ્યો છે. સૌરાષ્ટ્રમાં પાટીદારોને રીઝવવા માટે ભાજપની રાજકીય ચાલ છે. પણ સામે પાટીદારોને પણ ફાયદો થયો છે.
બક્ષીપંચને ટિકિટને લ્હાણી: પાટીદાર પછી અનુ. જાતિ, અનુ. જન જાતિ અને ઓબીસી-બક્ષીપંચનો ફાળો ખૂબ મોટો હોય છે અને તેમનો વોટ શેર પણ વધુ છે. માટે ભાજપને જીતવા માટે અનુ. જાતિ, અનુ. જન જાતિ અને બક્ષીપંચનો સહારો લેવો જ પડે તેમ છે. કોંગ્રેસની વોટબેંક તોડવા માટે તેમને પ્રાધાન્ય આપ્યું છે. અનુ. જાતિને 15 ટિકિટ, અનુ જન જાતિને 20 ટિકિટ અને બક્ષીપંચને 47 ટિકિટ ફાળવીને ( 47 Bakshipanch and 9 Kshatriyas) ભાજપે જીતનો પાયો નાંખવા માટેનો પ્રયાસ કર્યો છે.
કોળી સમાજને ખુશ કર્યો: ત્યાર પછી કોળી સમાજનો રાજકારણમાં મોટો હિસ્સો છે. ભાજપે કોળી જ્ઞાતિના 15 લોકોને ટિકિટ આપીને જોરદાર રીતે સમીકરણ સેટ કર્યું છે. કોળી સમાજ નારાજ થાય તે ચાલે તેમ નથી. ભાજપે જીતનો રેકોર્ડ તોડવો હોય તો કોળી સમાજનો સાથ લેવો જ પડે.
તમામ જ્ઞાતિને પ્રતિનિધિત્વ આપ્યું: ક્ષત્રિય સમાજને 9, બ્રાહ્મણને 10 અને જૈનને 4 ટિકિટ ફાળવીને તેમનું પ્રતિનિધિત્વ રાજકારણમાં રાખ્યું છે. ક્ષત્રિયો અને બ્રાહ્મણોને પણ ખુશ રાખવાનો ભાજપે પ્રયત્ન કર્યો છે. તેમ છતાં તેમનું પ્રતિનિધિત્વ ઓછુ છે, તેવી લાગણી જોવાઈ રહી છે.
ચૌધરી અને ઓબીસી વચ્ચે તાલમેલ: 2017માં વિધાનસભાની ચૂંટણીમાં ઉત્તર ગુજરાતમાં ભાજપને ઝાઝો ફાયદો થયો ન હતો. પાટીદાર અનામત આંદોલનને કારણે ચૌધરી સમાજ અને ઓબીસી સમાજ ભાજપથી નારાજ થયો હતો. આ સ્થિતિનો બોધપાઠ લઈને ઉત્તર ગુજરાતમાં ચૌધરી અને ઓબીસીનું સમીકરણ સારી રીતે ગોઠવ્યું છે, અને તે પ્રમાણે જ ઉમેદવારોના નામ પસંદ કર્યા છે.
સૌરાષ્ટ્રમાં ભાજપની આંધળી બાજી: સૌરાષ્ટ્રમાં ભાજપે જીત માટે આંધળી બાજી રમી છે. સૌરાષ્ટ્રમાં નવા ચહેરાને સ્થાન આપ્યું છે, અને જીતવા માટે દાવ રમ્યા છે. જૂના જોગીઓને ઘર બતાવી દીધું છે. રાજકોટમાં ચારેય બેઠક પર નવા ઉમેદવારોને ટિકિટ આપી છે. રાજકોટ પૂર્વ બેઠક પર ઉદય કાનગડ, રાજકોટ પશ્રિમ બેઠક પર ડૉ.દર્શિતા શાહ, રાજકોટ દક્ષિણ બેઠક પર રમેશ ટિલાળા અને રાજકોટ ગ્રામ્ય બેઠક પર ભાનુબહેન બાબરિયાને ટિકિટ આપી છે. જામનગરમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાને ટિકિટ આપીને યુવા ચહેરો રાજકારણમાં લાવ્યા છે.
સુરતમાં કોઈ અખતરો કર્યો નથી, આપનું જોખમ: દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરતની 11 બેઠકો પર નામ જાહેર થયા, તેમાં ઉઘનાને બાદ કરતાં 10 બેઠકો પર ઉમેદવારોને રિપિટ જ કરાયા છે. વલસાડ જિલ્લાની પાંચ બેઠકો પર ઉમેદવાર રિપિટ છે. નવસારીમાં પણ બે ધારાસભ્ય રિપિટ કરાયા છે. તાપી જિલ્લામાં બે નવા ચહેરાને સ્થાન મળ્યું છે. સુરતમાં આમ આદમી પાર્ટીનું જોખમ વધારે છે, જેથી ત્યાં નવા અખતરા કે નવા ચહેરાને લાવવાનું હાલ ટાળ્યું છે. કુમાર કાનાણીની ટિકિટ કાપી નથી. વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં ભાજપે સેફ ગેમ રમી છે. ગત વિધાનસભામાં વલસાડ જિલ્લાના ઉમેદવારો વધુ માર્જિનથી જીત્યા હોવાને કારણે અરવિંદ પટેલ, કનુ દેસાઈ અને ભરત પટેલને રિપિટ જ કર્યા છે.