અમદાવાદ: ધરેન્દ્ર શાસ્ત્રી એટલે કે બાબા બાગેશ્વર આગામી 29 અને 30 મે રોજ અમદાવાદ દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને આયોજક દ્વારા પણ તમામ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. મોટા રાજકીય નેતા તેમજ સમગ્ર ગુજરાતના સાધુ સંતોને પણ હાજર આપવામાં આવ્યું છે. આ બે દિવસીય દિવ્ય દરબારમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહે તેવી શક્યતા જોવા મળી રહી છે.
ભાજપ પ્રદેશ પ્રમુખ મુખ્ય મહેમાન: રાધિકા સેવા સમિતિના સદસ્ય અમિત શર્માએ ETV bharat સાથે વાત કરતા જણાવ્યું હતું કે બાબા બાગેશ્વરના દિવ્ય દરબારની તળામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જે પણ મુખ્ય મહેમાનો આવવાના છે. તેમના માટે આમંત્રણ પત્રિકાઓ છપાવવામાં આવી હતી. જે હવે આજથી તેનું વિતરણ પણ શરૂ કરી દેવામાં આવશે. જેમાં ખાસ કરીને મુખ્ય મહેમાન તરીકે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ રહેશે. આ ઉપરાંત પછીથી વિશેષ તરીકે ગુજરાત પ્રદેશ ભાજપના મહાપ્રધાન પ્રદિપસિંહ વાઘેલા, રજનીભાઈ પટેલ, રાજ્યસરકાર પ્રધાન મુકેશ પટેલ, સાંસદ નરહરી અમીન, સાંસદ કિરીટ સોલંકી, સાંસદ હસમુખ પટેલ, ધર્મેન્દ્ર શાહ, પ્રફુલભાઈ પાનસુરીયા ઉપરાંત અમદાવાદ શહેરના મેયર કિરીટ પરમાર અને કોર્પોરેશનના કોર્પોરેટરો તેમજ ચેરમેન પણ હાજર રહેશે.
સંતોને પણ આમંત્રણ: રાજકીય નેતાઓ સાથે સાથે ગુજરાતના સાધુ-સંતોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. 29 મેના રોજ મહામંડલેશ્વર 1008 રૂષિભારતી મહારાજ, મહામંડલેશ્વર 1008 દિલીપદાસજી મહારાજ, મહામંડલેશ્વર 1008 વિશ્વેશ્વરી ભારતીજી મહારાજ, મહામંડલેશ્વર અખિલ દાસજી મહારાજ, શિવરામદાસજી મહારાજ મનોજ ગીરી મહારાજ શિશુપાલજી મહારાજ, માનવ મંદિર મહંત રાજનારાયણ ત્રિપાઠીજી સહિતના સાધુ-સંતો હાજર રહેશે.
4 લાખ લાડુનો પ્રસાદ: જે પણ લોકોને આ દિવ્ય દરબારનો લાભ લેવો હશે તો તે લોકો પહેલા નામ નોંધણી કરાવીને પાસ મેળવવાનો રહેશે. કારણ કે આ કાર્યક્રમ અમદાવાદ શહેરની વચ્ચે યોજવા જઈ રહ્યો છે. જાહેર જીવનમાં કોઈપણ વ્યક્તિને મુશ્કેલી ન પડે તેમજ સુરક્ષાને ધ્યાનમાં રાખીને પણ આ પાસની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત દિવ્ય દરબારમાં આવનાર લોકો માટે 4 લાખ જેટલા લાડુ પણ તૈયાર કરવામાં આવશે. જેમાં એક પેકેટમાં બે લાડું મૂકીને પ્રસાદ રૂપે આપવામાં આવશે. ઉપરાંત 100 ફૂટના અંતરે પાણીની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે.
12 ફૂટ ઉંચાઈવાળો સ્ટેજ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં એક અલગ જ પ્રકારનો ડોમ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જે અલગ અલગ 3 સ્ટેજમાં ડોમ તૈયાર કરવામાં આવશે. જેમાં વીઆઈપી, વીવીઆઈપી, સાધુ-સંતો માટે પણ અલગ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે. બાબા કિશોર માટે જે 80 બાય 40 ફૂટનો વિશાળ અને 12 ફૂટ ઊંચાઈ ધરાવતો સ્ટેજ તૈયાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વચ્ચે વચ્ચે LED પણ લગાવવામાં આવશે. જેથી દૂર બેઠેલા લોકો પણ બાબા દર્શન કરી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.
4 જગ્યા પાર્કિંગ વ્યવસ્થા: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારને લઈને મોટી સંખ્યામાં લોકો હાજર રહેવાનું હોવાથી પાર્કિંગની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. કારગીલ પેટ્રોલ પંપ, પ્રભાત ચોક, ડમરુ સર્કલ, ગોતા બાજુનો સિંગલ સાઈડ રોડ બંધ કરવામાં આવશે. આ ઉપરાંત સાયોના સીટી પાસે આવેલ 3 પ્લોટ, સોલા ભાગવત ખાતે એક લાખ વારમાં વિશાળ પ્લોટ છે. ત્યાં મોટા વાહનો પાર્કિગની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે.