અમદાવાદ : અમદાવાદની સાબરમતી જેલમાં બંધ માફિયા અતીક અહેમદની મુશ્કેલીમાં વધારો થયો છે. સાબરમતી જેલ વિભાગ દ્વારા માફિયા અતિક અહેમદને હાઈ સિક્યુરિટી બેરેકમાંથી અન્ય જગ્યાએ હાઈ સિક્યુરિટી બેરેકમાં મોકલવામાં આવ્યો છે જેથી હવે જેલમાં અતિક અહેમદ લોકોને પણ જોવા માટે તરસી જશે. માફિયા અતિક અહેમદને આજીવન કેદની સજા સંભળાતા તે પાકા કામનો કેદી બની ગયો હોય હવે તેની ખોલી બદલી દેવામાં આવી છે.
આતંકીઓની વચ્ચે રહેશે : ઉત્તર પ્રદેશનો માફિયા અતીક અહેમદ પહેલા સાબરમતી જેલમાં અંડા સેલમાં બંધ હતો, ત્યારે હવે તેની અન્ય જગ્યાએ હાઈ સિક્યુરિટી ખોલીમાં મોકલી દેવામાં આવ્યો છે. વર્ષ 2019થી અતીક અહેમદ સાબરમતી સેન્ટ્રલ જેલમાં એક જ હાઈ સિક્યુરિટી બેરેકમાં રહેતો હોવાથી ત્યાં આસપાસના અન્ય ગુનેગારો અને આરોપીઓ સાથે તેણે પોતાનું નેટવર્ક બનાવવાનું શરૂ કર્યું હતું. ત્યારે હવે અતીક અહેમદ આતંકીઓની વચ્ચે રહેશે.
આ પણ વાંચો Atiq ahmed Case: અતિક અહેમદને આજીવન કેદની સજાના એલાન બાદ સાબરમતી જેલમાં શિફ્ટ કરાયો
200 ખોલી યાર્ડ કેદ : યુપીના માફિયા અતીક અહેમદને વર્ષ 2007ના ઉમેશ પાલ અપહરણ કેસમાં ઉત્તરપ્રદેશની કોર્ટે આજીવન કેદની સજા હાલમાં જ ફટકારી છે. તેને કોર્ટના આદેશ અનુસાર ફરીવાર સાબરમતી સેન્ટ્રલ જેલમાં ઉત્તર પ્રદેશ પોલીસે મોકલ્યો હતો. જોકે હવે 200 ખોલી યાર્ડમાં તેને મોકલી દેવામાં આવ્યો છે.
એક ખોલીમાં એકલો : માફિયા અતીક અહેમદને જે 200 ખોલી યાર્ડમાં મોકલવામાં આવ્યો છે તેમાં 4 અલગ અલગ ખોલી છે. જેમાં 2 ખોલીમાં આતંકીઓને રાખવામાં આવ્યા છે. જ્યારે અતીક અહેમદને એક ખોલીમાં એકલો રાખવામાં આવ્યો છે. આ બાબતો પાછળનો મુખ્ય કારણ અતીક અહેમદનું જેલમાં બેસીને ચલાવવામાં આવતું નેટવર્ક છે. ત્યારે હવે અતીક અહેમદની ખોલી બદલવામાં આવતા હવે તેની મુશ્કેલી વધી છે.
આ પણ વાંચો અતીક અહેમદે કહ્યું 'શાનો ડર', અને થયો અકસ્માત, જુઓ LIVE VIDEO
કામ કરવાની તૈયારી દર્શાવી નથી : સાબરમતી જેલમાં બંધ અતીક અહેમદની ઉંમર 60ની આસપાસ છે. જેથી જેલમાં તેને કામ કરવું કે ન કરવું એ તેની મરજી પર નિર્ભર રહે છે. અતીક અહેમદને અનેક શારીરિક બીમારીઓ છે. જેથી હાલ સુધી તેણે જેલમાં કોઈ કામ કરવાની તૈયારી દર્શાવી નથી.
હવે પાકા કામનો કેદી : આ અંગે સાબરમતી સેન્ટ્રલ જેલના SP તેજસકુમાર પટેલે ETV ભારત સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે અતીક અહેમદ પહેલા કાચા કામનો કેદી હતો અને હવે તે પાકા કામનો કેદી થઈ ગયો છે એટલે તેની બેરેક બદલવામાં આવી છે. અગાઉ પણ તે હાઈ સિક્યુરિટી બેરેકમાં હતો અને હવે પણ તેને હાઈ સિક્યુરિટી બેરેકમાં જ મોકલવામાં આવ્યો છે.