અમદાવાદ : શહેરના પૂર્વ વિસ્તારમાં ફરી એકવાર અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તે પ્રકારની ઘટના સામે આવી છે. કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા નરોડામાં અક્ષરધામ સોસાયટી ખાતે ધુળેટીના દિવસે સાંજના સમયે 13 જેટલા શખ્સોએ સોસાયટીમાં પ્રવેશીને એક યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. યુવકના માતા-પિતા અને પરિવાર સાથે મારામારી કરી હતી. તેમજ ઘરની બહાર પડેલા વાહનો અને ક્લિનિકમાં પણ તોડફોડ કરીને નુકસાન પહોંચાડ્યું હતું. આ સમગ્ર મામલે કૃષ્ણનગર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
શહેરમાં જોવા મળ્યો અસામાજીક તત્વોનો આતંક : આ સમગ્ર ધટના મામલે દિગ્વિજયસિંહ ગોહિલ નામના વ્યક્તિએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમને નોંધાવ્યું કે, અક્ષરધામ સોસાયટી ખાતે તેઓ પોતાના પરિવાર સાથે વસવાટ કરે છે. 8મી માર્ચે ધૂળેટીના દિવસે તેઓ ઘરે હાજર હતા, તે સમયે સાંજે ચાર વાગ્યાની આસપાસ તેઓના ઘરની બહાર 10થી 12 જેટલા યુવકો પોતાના હાથમાં લાકડાના દંડા, તલવાર, પાઇપ અને છરી લઈને આવ્યા હતા. તમામ શખ્સો ગાળો બોલીને કહ્યું કે, ઋતુરાજ ક્યાં છે. આજે તેને જાનથી મારી નાખવો છે. આ બાબત અંગે ફરિયાદી દિગ્વિજયસિંહે પૂછતા અભિષેક ઉર્ફે શૂટર તેમજ તેની સાથેના ઋષભ તોમર, અનુ તોમર, કરણસિંહ રાજપુત સહિતના અન્ય ઈસમોએ ઉશ્કેરાઈને વાહનોમાં તોડફોડ શરૂ કરી હતી.
આરોપીઓને પકડવા પોલિસે બનાવી ટીમ : આ સમગ્ર ઘટના અંગે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના PI એ.જે ચૌહાણે ETV Bharatને ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલ આ સમગ્ર મામલે હાલમાં ગુનો નોંધવામાં આવ્યો છે. અને આરોપીઓને ઝડપી લેવા માટે અલગ અલગ ટીમ પણ બનાવવામાં આવી છે.
પરિવાર પર કર્યો જાનલેવા હુમલો : તમામ શખ્સોએ કાર, એક્ટિવા સહિતના વાહનોને નુકસાન કરી તેમજ નજીકના ક્લિનિકમાં પણ તોડફોડ કરી હતી. ફરિયાદી તેઓને રોકવા જતા અભિષેક તોમર ઉર્ફે શૂટરે પોતાની પાસે રહેલી છરીથી તેઓની ઉપર પણ હુમલો કર્યો હતો. જે બાદ ગાળાગાળી કરીને ફરિયાદીના પરિવાર ઉપર હુમલો કર્યો હતો. જે બાદ બુમાબૂમ થતા આસપાસના લોકો એકઠા થતા તમામ શખ્સો પોતાના વાહનો લઈને ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
ફરિયાદીએ નોંધાવી ફરિયાદ : આ સમગ્ર મામલે દિગ્વિજયસિંહ ગોહિલે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં અભિષેક તોમર ઉર્ફે શૂટર, ઋષભ તોમર, અનુ તોમર, કરણસિંહ રાજપુત, ક્ષિતિજ રાઠોડ સહિત કુલ 13 શખ્સોએ તેઓની સોસાયટીમાં પ્રવેશીને તેઓના દીકરાને મારી નાખવાની ધમકીઓ આપીને જીવલેણ હુમલો કર્યો હોય. આ સમગ્ર મામલે કૃષ્ણનગર પોલીસે કલમો હેઠળ ગુનો દાખલ કરી આરોપીઓને પકડવા માટે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે.