અમદાવાદ: કોરોના વાઈરસના કારણે લાગુ કરાયેલા લોકડાઉનના ત્રીજા તબક્કામાં સ્થિતિ વધુ વણસતા તેને કાબૂમાં લાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકોને સમય આપ્યા વગર મેડિકલ અને દૂધની દુકાન સિવાય અન્ય દુકાનો ન ખોલવા અંગે આપેલા આદેશને રદ કરવા અને તેને લીધે નાગરિકોને પડેલી હાલાકી મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી છે.
અરજદાર હર્ષિત શાહે વકીલ નીલ લાખાણી અને ધ્રુવ ઠક્કર વતી હાઈકોર્ટમાં દાખલ કરેલી જાહેરહિતની અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે, નાગરિકોને સમય આપ્યા વગર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈન્ચાર્જ કમિશનર મુકેશ કુમાર દ્વારા 6 મેના રોજ આદેશ બહાર પાડવામાં આવ્યો છે તેને રદ કરવામાં આવે અને શાકભાજી, ફ્રુટ, જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે કોર્પોરેશન દ્વારા નાગરિકો માટે કોઈ વૈકલ્પિક સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નાગરિકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ ઉપલબ્ધ કરવાની વૈકલ્પિક વ્યવસ્થા કર્યા બાદ નવો રિવવાઈઝ ઓર્ડર બહાર પાડી શકે.
હાઈકોર્ટમાં દાખલ કરાયેલી જાહેરહિતની અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, કરિયાણું શાકભાજી ફ્રુટ જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદતા નાગરિકો પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યા હોવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે, ત્યારે જે બિન-હથિયારી દળના પોલીસ કર્મચારીઓ કે, જેમની પાસે લાકડી જેવા હથિયાર મળી આવે છે. તેમની સામે હથિયાર રાખવાની જોગવાઈ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવે.
આ સમગ્ર કેસની વિગત એવી છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઈન્ચાર્જ કમિશનર મુકેશ કુમાર દ્વારા 6 મેના રોજ સાંજે 5:00 કલાકે આદેશ બહાર પાડવામાં આવ્યો હતો. જેમાં 7મી મેથી 15મી મેના સવારના 6 કલાક સુધીમાં દૂધ અને દવાની દુકાન સિવાય અન્ય કોઈ દુકાન ખોલી શકાશે નહીં. આ આદેશ બાદ શહેરના મોટાભાગના વિસ્તારોમાં રહેતા મધ્યમ વર્ગીય લોકો કરિયાણું અને શાકભાજી ખરીદવા માટે દુકાનો પર ઊમટી પડ્યા હતા. આ સમયગાળા દરમિયાન પોલીસ દ્વારા તેમના પર બળ પ્રયોગ કર્યા હોવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. જેની સામે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી હતી.