અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિસ્તારમાં આવેલા ત્રણ ઢોરવાડામાં વિવિધ કારણોસર પ્રતિ દિન 25 થી 30 ઢોરના મોત થાય છે. તંત્ર દ્વારા ઢોરને પકડ્યા બાદ સંભાળ લેવાતી નથી તે હકીકત સામે આવતા અમદાવાદ મનપાના વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણે કોંગ્રેસ પક્ષના કાર્યકરો સાથે દાણીલીમડા ઢોરવાડાની મુલાકાત લીધી હતી. જ્યાં તેમને ઢોરોની સારસંભાળ અંગે પૂછપરછ કરી હતી.
રખડતા ઢોર મામલે તંત્રની કાર્યવાહી : અમદાવાદ શહેરમાં ઘણા વર્ષોથી રખડતા ઢોર મામલે AMC દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા હતા. હાઈકોર્ટના આદેશની વારંવાર અવગણના કર્યા બાદ આખરે હાઈકોર્ટે AMC વિરુદ્ધ કડક વલણ અપનાવતા શહેરમાં રખડતા ઢોર મામલે અમદાવાદ મનપા એક્શનમાં આવ્યું હતું. AMC દ્વારા ઢોરોને રાખવા બાબતે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. આ જાહેરનામા બાદ પણ શહેરમાં જાહેર રોડ પર રખડતા ઢોર જોવા મળતા હતા. આખરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રખડતા ઢોરનો પકડી પાંજરાપોળમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરી હતી.
પશુઓના મોતનો મામલો : જેમાં શહેરના ત્રણ ઢોરવાડામાં રખડતા ઢોરને પકડીને રાખવામાં આવતા હતા. જ્યારે દાણીલીમડા ખાતે આવેલા ઢોરવાડામાં પશુઓના મોત મામલે માલધારીઓ દ્વારા ગાયોની માવજત મામલે આક્ષેપો કરવામાં આવ્યા હતા. દાણીલીમડા સ્થિત ઢોરવાડામાં સંખ્યા કરતા વધુ ઢોર રાખી મૂક્યાના આક્ષેપ સાથે ઢોરની યોગ્ય માવજત ન થતી હોવાનો આક્ષેપ કર્યો હતો. ત્યારબાદ અમદાવાદ મનપાના Dy.MC મિહિર પટેલ ઢોરવાડાની મુલાકાતે પહોંચ્યા હતા.
ઢોરવાડાની મુલાકાતે કોંગ્રેસ નેતા : ત્યારે આજે અમદાવાદ મનપાના વિપક્ષ નેતા અને કોંગ્રેસ પક્ષના કોર્પોરેટરોએ દાણીલીમડા ખાતે આવેલ ઢોરવાડાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત બાદ અમદાવાદ મનપાના વિપક્ષ નેતા શહેજાદખાન પઠાણે જણાવ્યું હતું કે, એક તરફ હાઈકોર્ટના આદેશ બાદ મ્યુનિસિપલ તંત્ર સફાળું જાગી રખડતા ઢોરોને અંકુશમાં રાખવા કાર્યવાહી કરી રહ્યું છે. પણ તેમાં તંત્ર સદંતર નિષ્ફળ નીવડયું છે.
વિપક્ષનો તંત્ર પર પ્રહાર : વિપક્ષ નેતાએ વધુમાં જણાવ્યું હતું કે, શહેરમાં રખડતા ઢોરની જાળવણી બાબતે સરકાર દ્વારા કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવે છે, પરંતુ ઢોરોની યોગ્ય જાળવણી ન થતી હોવાને કારણે પશુઓના મૃત્યુ થઈ રહ્યા છે. ત્યારે ઢોર માટે એક હોસ્પિટલ બનાવવાની સરકારે કોઈ તસ્દી લીધી નથી. જેથી મૂંગા ઢોરોને લઈને સરકાર વોટ બેંક વધારે છે. પણ તેમની સેફટી બાબતે સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે.