અમદાવાદ : ગાંધીનગર ખાતેથી નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે ગુજરાતમાં પેટ્રોલિયમ પ્રોડકટના ભાવ વધારાની જાહેરાત કરી હતી. નીતિન પટેલે કોરોના વાઇરસના કારણે ગુજરાત સરકારની રેવન્યુમાં થયેલા ધરખમ ઘટાડાનો હવાલો આપીને આ ભાવ વધારો જાહેર કર્યો હતો. ગુજરાતના લોકોએ હવે પેટ્રોલ અને ડીઝલ પર રાજ્ય અને કેન્દ્રના ભાવ વધારાના કુલ 6.50 રૂપિયા લિટર દીઠ વધારાના ચૂકવવાના થશે. આ બાબતને લઈને અમદાવાદના નાગરિકોએ મિશ્ર પ્રતિસાદ આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રમાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી, ત્યારે ભાજપના નેતાઓ પેટ્રોલિયમ પ્રોડકટના ભાવ વધારાના મુદ્દે વિરોધ પ્રદર્શન કરતા હતા, પરંતુ આજે ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભાવ તળીયે પહોંચ્યા છે. તેમ છતાં સરકાર દ્વારા ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો નથી, પરંતુ ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે. તેને લઈને કેટલાક નાગરિકોએ રોષ વ્યક્ત કર્યો હતો. જ્યારે બીજી તરફ કોરોના વાઇરસના સમયગાળા દરમિયાન સરકારને આવકમાં મોટું નુકસાન થયું છે અને સામે કોરોનાની મફત સારવારનો ખર્ચ વધ્યો છે. તેથી કેટલાક નાગરિકોએ આ ભાવ વધારાને યોગ્ય ગણાવ્યો હતો.