અમદાવાદ : શહેરમાં ફરી એકવાર ત્રિપલ તલાકની ઘટના સામે આવી છે, જેમાં નિકાહના માત્ર 4 વર્ષના સમયગાળામાં જ યુવતીને તેના પતિએ ત્રિપલ તલાક આપી ઘરમાંથી કાઢી મૂકતાં આ અંગે યુવતીએ પોલીસની મદદ માગી છે. વેજલપુર પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
શું છે સમગ્ર મામલો : અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા જુહાપુરામાં રહેતી 27 વર્ષીય યુવતીએ આ અંગે ફરિયાદ નોંધાવી છે. પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદ મુજબ તેના નિકાહ 23 માર્ચ 2019ના રોજ સમાજના રીતરિવાજ મુજબ થયા હતા. લગ્ન જીવનમાં તેને સંતાનમાં એક દીકરો છે. યુવતીનો પતિ રીક્ષા ચલાવવાનું કામ કરે છે.
પતિ ઘર ખર્ચના પૈસા ન આપતો : લગ્ન બાદ તે પોતાની સાસરીમાં પતિ તેમજ સસરા અને દિયર સાથે રહેવા ગઈ હતી, ત્યારે સાસરિયાઓએ તેને છ મહિના સુધી સારી રીતે રાખી હતી, જે બાદ તેનો પતિ તેને ઘર ખર્ચના પૈસા આપતો ન હતો અને તે ઘર ખર્ચના પૈસા માંગે તો પતિ તેના પર ગુસ્સે થઈને બોલાચાલી કરી ગાળો આપતો હતો. તેમજ સસરા અને દિયર પણ તેની સાથે અવારનવાર નાની-નાની વાતોમાં ઝઘડા કરી ગાળો આપતા હતા, તે પતિ અંગે ફરિયાદ કરતી તો તેના સસરા અને દિયર પતિનું ઉપરાણું લઈને તેની સાથે ઝઘડો કરતા હતા.
પૈસા માંગતા પતિ ઉશ્કેરાયો : પહેલી જુલાઈ 2023ના રોજ સાંજના સમયે યુવતીને પિયરમાં જવાનું હોય તેથી તેણે પતિ પાસે પૈસા માંગતા તેનો પતિ તેના પર ઉશ્કેરાયો હતો અને ગાળો બોલી મારી હતી. તેમજ દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી, ત્રણ વખત તલાક કહીને ત્રીપલ તલાક આપી ઘરમાંથી કાઢી મૂકી હતી. જે બાદ યુવતી તેના દીકરા સાથે માતાના ઘરે ગઈ હતી અને પરિવારને જાણ કરતા આ સમગ્ર બાબતને લઈને વેજલપુર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
આ અંગે યુવતીની ફરિયાદ નોંધવામાં આવી છે. આરોપીઓને પકડવા માટેની કાર્યવાહી ચાલુ છે. - કે.બી રાજવી (PI, વેજલપુર પોલીસ સ્ટેશન)
સાસરિયા સામે ગુનો : આ અંગે વેજલપુર પોલીસે આ કેસમાં ઘરેલુ હિંસા તેમજ મારામારી અને ધમકીઓ આપવા અંગે સાથે જ મુસ્લિમ મહિલા લગ્ન પર અધિકારોનું રક્ષણ અધિનિયમ 2019 મુજબ યુવતીના પતિ અને દિયર તેમજ સસરા સામે ગુનો દાખલ કર્યો છે.