અમદાવાદ: ભગવાન જગન્નાથજીની અમદાવાદમાં ભવ્ય રથયાત્રા યોજાશે. જેને લઈને પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. ભાવિક ભક્તોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ભગવાનના મોસાળ સરસપુરમાં પણ તેમના ત્રણેય ભાણેજને આવકારવા માટે તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
રસોડા ધમધમતા થયા: સરસપુરમાં ભગવાનના ભક્તોને આવકારવા માટે વિવિધ પોળોમાં, ભાવિક ભક્તોને ભોજન આપવા અને પ્રસાદ બનાવવા માટે દર વખતની જેમ આ વખતે પણ રસોડા ધમધમતા થઈ ગયા છે. વર્ષો જૂની પ્રથા અનુસાર રથયાત્રામાં ભાગ લેતા શ્રદ્ધાળુઓ માટે ભગવાન જગન્નાથજીનું મોસાળ એટલે કે સરસપુરમાં ભોજન પ્રસાદના આયોજનો થતા હોય છે. સરસપુરમાં અંદાજે નાની મોટી 17 જેટલી પોળમાં રસોડામાં વિવિધ પ્રકારના ભોજનોની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.
અમારી પોળમાં દર વર્ષે 14000થી 15 હજાર જેટલા માણસોની રસોઈ બનતી આવી છે. ભાવિ ભક્તોને જમાડવા માટે અમારે ત્યાં પંગત પાડવામાં આવે છે. જે પણ યાત્રાળુઓ શ્રદ્ધાળુઓ આવતા હોય છે તેમને પ્રેમથી જમાડવામાં આવે છે. મારી પોળમાં 1500 કિલો જેટલો મોહનથાળ બને છે. પુરી બનાવવામાં આવે છે અને તે જ દિવસે રાત્રે 1000 કિલો બટાટાનું રસાવાળું શાક પણ બનાવવામાં આવે છે. પ્રથમ બટુક ભોજન કરાવવામાં આવે છે અને ત્યારબાદ ભાવીભક્તોને ભોજન પીરસવામાં આવતું હોય છે. -મનુભાઈ પટેલ, રહેવાસી
17 જેટલી બોર્ડમાં પ્રસાદની તૈયારી: આ પ્રસાદમાં 17 જેટલી બોર્ડમાં વિવિધ પ્રકારના શુદ્ધ ઘીના બુંદી અને મોહનથાળ, ફૂલવડી, પૂરી, શાક ,ખીચડી સહિતની વાનગીઓ બનાવવામાં આવી રહી છે. અંદાજે બે લાખ જેટલા શ્રદ્ધાળુઓના ભોજનનો આ પ્રસાદ તૈયાર કરવામાં આવી રહ્યો છે. તેમાં 40 હજાર કિલો જેટલી શુદ્ધ ઘીની બુંદી, 25,000 kg જેટલો મોહનથાળ, 30,000 કિલો જેટલી ફૂલવડી 30,000 kg જેટલી પૂરી અને 50000 કિલો જેટલી શાકભાજી તેમ જ 3000 કિલો જેટલી ખીચડી સરસપુરની 17 જેટલી પોળોમાં બનાવવામાં આવી રહ્યો છે.
કેટલા શ્રદ્ધાળુઓ પ્રસાદ લેશે: સરસપુરમાં મોટી સાળવી વાડ પોળમાં 40,000 જેટલા શ્રદ્ધાળુઓ પ્રસાદ લેશે. લુહાર શેરીમાં 15000 શ્રદ્ધાળુ, કડિયાવાડ શેરીમાં 10,000 શ્રદ્ધાળુ, લીમડાપોડમાં 10000 શ્રદ્ધાળુ, પીપળા પોળમાં 10,000 શ્રદ્ધાળુ, તળિયાની પોળમાં 5000 શ્રદ્ધાળુ, ઠાકોર વાસ પોળમાં 5000 શ્રદ્ધાળુ, વડવાળા વાસમાં 10,000 શ્રદ્ધાળુ, વાસણ શેરીમાં દસ હજાર શ્રદ્ધાળુ, પાંચાવડ 5000 શ્રદ્ધાળુ, ગાંધીની પોળમાં 5000 શ્રદ્ધાળુ, આંબલીવાડમાં 5000 શ્રદ્ધાળુ ,દેસાઈની પોળમાં 3000 શ્રદ્ધાળુ, સ્વામિનારાયણ મંદિરમાં 10,000 શ્રદ્ધાળુ, જ્યારે હનુમાનજી મંદિર પાસે 5000 જેટલા શ્રદ્ધાળુઓ વિવિધ પ્રકારના ભોજનનો સ્વાદ લેશે.