અમદાવાદ : રાજ્યના પોલીસ બેડામાં ઘરઘમ ફેરફારો થયા છે, ગુજરાતના 70 જેટલા IPS અધિકારીઓની બદલીનો આદેશ કરાયો છે. જેમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર તરીકે જી.એસ મલિકને નિયુક્તિ કરવામાં આવ્યા છે. સાથે જ અમદાવાદના અલગ અલગ ઝોન DCP, બંને સેક્ટરના JCP તેમજ રેન્જ આઈજીની બદલી કરવામા આવી છે.
અમદાવાદના નવા પોલીસ કમિશનર : અમદાવાદમાં 30મી એપ્રિલ 2023 ના રોજ સંજય શ્રીવાસ્તવ વ્યનિવૃત થયા હતા, જે બાદથી અમદાવાદ શહેર પોલીસ કમિશનરનો ચાર્જ ક્રાઈમ JCP પ્રેમવીરસિંહ યાદવને આપવામાં આવ્યો હતો, ત્યારે પોણા ત્રણ મહિના બાદ અમદાવાદ શહેરને નવા પોલીસ કમિશનર મળ્યા છે. ગૃહ વિભાગ દ્વારા અમદાવાદના નવા પોલીસ કમિશનર તરીકે જી. એસ મલિકને મુકવામાં આવ્યા છે.
કોણ છે જી.એસ મલિક : જી.એસ મલિક (જ્ઞાનેન્દ્રસિંઘ મલિક) મૂળ હરિયાણાના છે. તેઓએ અભ્યાસમાં બી ટેક (elect.) કર્યું છે. 1993ની બેચના તેઓ ગુજરાત કેડરના IPS છે. 8 જાન્યુઆરી 1994 ના રોજ તેઓની નિમણૂક કરવામાં આવી હતી. પરિવારમાં તેઓના પત્ની હાઉસ વાઈફ છે અને બાળકો છે. છેલ્લા 30 વર્ષમાં જી.એસ મલિકે ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, નર્મદા સહિતના અનેક જિલ્લાઓમાં, સરહદ પર તેમજ રેન્જમાં ફરજ બજાવી છે. અગાઉ તે BSF માં પ્રમુખ હતા, ત્યારે ભારતીય જળસીમામાંથી પાકિસ્તાનીઓને ઝડપી પાડવાનું મોટું ઓપરેશન પાર પાડ્યું હતું.
કચ્છથી કેરિયરની શરૂઆત : જી. એસ મલિકે પોતાના કેરિયરની શરૂઆત કચ્છ ASP તરીકે કરી હતી, જે બાદ તે ભરૂચના SP પણ રહ્યા હતા, વર્ષ 2003થી 2005ના સમયગાળા દરમિયાન તેઓ 3 વર્ષ સુધી ભરૂચ SP રહ્યા હતા, તે સમયે ઝઘડિયાના ધારાસભ્ય છોટુ ભાઈ વસાવા સામે અનેક ગુનાઓ નોંધાયેલા હોવાથી તેઓએ જિલ્લા પોલીસને છોટુ વસાવાને પકડવાનો આદેશ કર્યો હતો. તે સમયે ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં PI મીની જોસેફ હતા, તેઓએ આ ચેલેન્જ સ્વીકારી છોટુ વસાવાની ધરપકડ કરી હતી.
વડોદરામાં કામગીરી : જી.એસ મલિક વડોદરા રેન્જમાં ફરજ બજાવતા હતા. તે સમયે વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પદક પણ મળ્યું હતું. તેઓના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં 17,500 જેટલી એલઆરડીની ભરતી પ્રક્રિયા નિર્વિવાદ રીતે પૂર્ણ થઈ હતી.
દિલ્હી ખાતે CISF હેડક્વાર્ટરમાં : જી.એસ મલિકને થોડા મહિનાઓ પહેલા જ ડેપ્યુટેશન પર દિલ્હી ખાતે CISF હેડક્વાર્ટરમાં એડિશનલ ડાયરેક્ટર જનરલ ADG નિયુક્ત કરવામા આવ્યા હતા. મહત્વનું છે કે જી.એસ મલિકની અમદાવાદ પોલીસ કમિશનર તરીકે નિયુક્તિ થતાં જ શહેરના તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
ઘણા પ્રશ્નોનો હલ થવાની આશા : અમદાવાદમાં થોડા વર્ષો પહેલા પોલીસ કમિશનર તરીકે એ.કે સિંઘ કાર્યરત હતા. ત્યારે ફરી એક વાર અમદાવાદ શહેરને બાહોશ IPS ઓફિસર મળ્યા છે. જેથી આગામી સમયમાં અમદાવાદ શહેરના કાયદો અને વ્યવસ્થાને લગતા તેમજ પોલીસિંગને લગતા પ્રશ્નોનો હલ થશે તેવું ચોક્કસ કહી શકાય.