અમદાવાદ : રાજ્યમાં જાહેરમાં લુટફાટ, ચોરી, સામાન્ય બાબતમાં મારામારીના કિસ્સાઓ જોવા મળી રહ્યા છે. ત્યારે અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં પુરુષોને ટાર્ગેટ કરી ચેઇન સ્નેચિંગ કરતા આરોપીઓ ઝડપાયા છે. ત્રણ મિત્રો સાથે મળીને ચેઇન સ્નેચિંગ કરતા હોવાનુંં બહાર આવ્યું છે. પોલીસને હાથે આ શખ્સો ઝડપાતા આઠ જેટલા ગુનાનો ભેદ ઉકેલાયો છે.
શું છે સમગ્ર મામલો : આ મામલે ક્રાઈમ બ્રાન્ચે શિવસિંગ ઉર્ફે આશુ સીકરવાર, દિલીપ ઉર્ફે ભુરો રાજપૂત અને રાજારામ ઉર્ફે સોનુ યાદવ નામના આરોપીઓની ધરપકડ કરી છે. આ તમામ આરોપીઓ ખાસ મિત્રો છે. આરોપીઓ અમદાવાદ શહેરના નિકોલ, નરોડા, રામોલ જેવા પૂર્વ વિસ્તારને ટાર્ગેટ કરતા હતા. તેમજ ખાસ કરીને સાંજે કે રાત્રે નીકળતા માત્ર પુરુષોને જ ટાર્ગેટ કરતા હતા. જે પણ એકલ દોકલ પુરુષ નીકળે ત્યારે છરો બતાવી સોનાની ચેઇન લૂંટી લેતા હતા.
આ પણ વાંચો : મજા માણવા માટે ચાલું કર્યું ચેઈન સ્નેચિંગ, અને પોલીસે કર્યા હાલ બેહાલ
મોજ શોખ માટે ક્રાઈમ : આરોપીઓની માન્યતા છે કે પુરુષો વધુ વજન વાળી ચેઇન પહેરતા હોય છે. એટલે ખાસ પુરુષોને જ ટાર્ગેટ કરતા હતા. આરોપીઓ એક જ મકાનમાં રહે છે. આરોપીઓ મોજ શોખ અને બાઇક તેમજ મોબાઈલ ખરીદવા ચેઈન સ્નેચિંગના રવાડે ચડ્યા હતા. આરોપીઓમાં શિવસિંગ ઉર્ફે આશુ અગાઉ હથિયારના ગુનામાં પકડાયો હતો. જ્યારે દિલીપ ઉર્ફે ભુરો હથિયારના ગુનામાં પકડાયો હોવાનું સામે આવ્યું છે. આરોપીઓએ અનેક લોકોને લૂંટયા હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો : Junagadh Crime: મોબાઈલ અને સોનાના ચેનની ચિલ ઝડપ કરી ગઠીયો ફરાર, સીસીટીવીમાં થયા કેદ
8 ગુનાનો ભેદ ઉકેલ્યો : આરોપીઓએ ખાસ પૂર્વ વિસ્તારને જ ટાર્ગેટ કર્યો હતો. ત્યારે હજુય કેટલાક એવા ગુના આચર્યા છે જે પોલીસ ચોપડે નોંધાયાએ નથી. હાલ તો નોંધાયેલા આઠ ગુનાનો ભેદ ઉકેલાયો છે. હવે આરોપીઓની કબૂલાત બાદ વધુ ગુનાના ભેદ ઉકેલાયા તેવી શક્યતા છે. આ અંગે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના એસીપી ભરત પટેલે જણાવ્યું હતું કે, ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરીને 8 ગુનાનો ભેદ ઉકેલ્યો છે. પકડાયેલા આરોપીઓની વધુ તપાસ કરવામાં આવી છે. આરોપીઓએ સ્નેચિંગમાં લૂંટેલી ચેઇન પણ કબજે કરવામાં આવી છે.