અમદાવાદ : શહેરમાં સૌથી વધુ સમસ્યા જો જોવા મળતી હોય તો તે ટ્રાફિકની છે. જેમાં મુખ્યત્વે શહેરીજનો પાર્કિંગની સગવડ ન હોવાને કારણે રસ્તા પર જ પાર્ક કરી દેતા હોય છે, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મલ્ટી લેવલ પાર્કિંગ તૈયાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે આવો જાણીએ અમદાવાદમાં હાલ કઈ જગ્યાએ મલ્ટી લેવલ પાર્કિંગ છે અને તેમાં કેટલા વાહનોની ક્ષમતા જોવા મળે છે.
રિવરફ્રન્ટ પર સૌથી મોટું મલ્ટી લેવલ પાર્કિંગ : ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ ETV BHARAT સાથે ટેલિફોનિક સાથે વાત કરતા જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં શહેરની જનતા સરળતાથી વાહન પાર્ક કરી શકે તે માટે અનેક જગ્યાએ મલ્ટી લેવલ પાર્કિંગ તૈયાર કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અટલ બ્રિજની સામે એક શહેરનું સૌથી મોટું મલ્ટી લેવલ પાર્કિંગ 60 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી રહ્યું છે. જે આગામી સમયમાં અમદાવાદ જનતા માટે ખુલ્લું મૂકવામાં આવશે.
આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદ શહેરના તમામ ગાર્ડનના ખૂલ્લા રહેવાના સમયને લઇને કરાયો મોટો ફેરફાર
8 માળનું પાર્કિંગ : અમદાવાદ શહેરનું સૌથી મોટું મલ્ટી લેવલ પાર્કિંગ જે કુલ આઠ માળનું છે. જેમાં 1000થી પણ વધુ કાર પાર્ક કરી શકાશે. આ પાર્કિંગમાંથી સીધા અટલ બ્રિજ પર જવા માટે એક વોક વે પણ તૈયાર કરવામાં આવ્યો છે. જેનાથી સીધા બ્રિજના ગેટ પર જ જઈ શકાશે. આ પાર્કિંગની અંદર અલગ અલગ સુવિધાઓ પણ જે આપવામાં આવશે. જેની અંદર કેમેરા, કારનું લોકેશન જાણી શકાશે, એલઇડી લાઇટ સાથે સેન્સર જેવી સગવડો પણ આ પાર્કિંગની અંદર જોવા મળી આવશે.
આ પણ વાંચો : Corona Cases: અમદાવાદીઓ સાવધાન, કોરોનાના કેસમાં ફરી ઉછાળો
અન્ય જગ્યા પર મલ્ટી લેવલ પાર્કિંગ કાર્યરત : આ સિવાય અમદાવાદ શહેરમાં પણ અન્ય જગ્યાએ મળતી લેવલ પાર્કિંગ કાર્યરત છે. જેમાં પૂર્વ ઝોનમાં નવરંગપુરા ખાતે પણ મલ્ટી લેવલ પાર્કિંગ કાર્યરત છે. જેની અંદર 338 બાઈક અને 230 કાર પાર્ક કરી શકાય છે. આ ઉપરાંત મધ્ય ઝોનમાં રાયપુર ખાતે 265 બાઈક અને 68 કાર ધરાવતું મલ્ટી લેવલ પાર્કિંગ તૈયાર કરવામાં આવ્યું છે. મધ્ય ઝોનમાં જ રેલીફ રોડ પર 200 બાઈક અને 110 કાર, દક્ષિણ ઝોનમાં કાંકરિયા ખાતે 250 બાઈક અને 250 કાર પાર્ક કરી શકાય તેવું મલ્ટી લેવલ પાર્કિંગ તૈયાર કરવામાં આવ્યું છે. તેમજ અમદાવાદ શહેરમાં બ્રિજની નીચે પણ પે એન્ડ પાર્કની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. જેથી કરી લોકો પોતાના વાહન વ્યવસ્થિત રીતે પાર્ક કરી શકાય તેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે.