અમદાવાદ : અમદાવાદ શહેર પોલીસ તેમજ અમદાવાદ જિલ્લા પોલીસ દ્વારા આયોજિત બે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમમાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતાં. અમદાવાદ પોલીસ દ્વારા પાલડી પોલીસ સ્ટેશન ખાતે પ્રથમવાર ચાઈલ્ડ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન જાહેર કરાયું છે જેનું હર્ષ સંઘવીએ વર્ચ્યુઅલી અનાવરણ કર્યું હતું, આ સાથે તેમણે જિલ્લા પોલીસ દ્વારા આયોજિત બાઇક રેલીમાં પોલીસ જવાનોને હેલમેટ વિતરણ કરી બાઇક રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું.
ચાઈલ્ડ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન : બોડકદેવમાં આવેલ પંડિત દીનદયાળ ઓડિટોરિયમ હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમની વાત કરીએ તો અમદાવાદમાં પોલીસ દ્વારા પાલડી પોલીસ મથક ખાતે કાળજી અને સંભાળની જરૂરિયાતવાળા બાળકો તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકો માટે ઉપયોગી ચાઈલ્ડ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન તૈયાર કરાયું છે. જે પોલીસ મથકમાં બાળકો અલગ અલગ એક્ટિવિટી કરી શકે અને પોલીસ અને બાળકો વચ્ચે સેતુ બંધાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. બાળકોના મનમાં પોલીસ માટે સારા વિચારો રહે અને બાળકો જરૂર પડે પોલીસ પાસે જાય તેવા ઉદ્દેશ્યથી આ ચાઈલ્ડ ફ્રેન્ડલી રુમ તૈયાર કરાયો છે, જેનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ કર્યું હતું.
અમદાવાદ પોલીસ દ્વારા સુંદર આયોજન કરી ચાઈલ્ડ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન તૈયાર કરાયું છે., નાના બાળકો હંમેશા પોલીસથી ડરતા હોય છે અને તેવામાં આ પ્રકારનું પોલીસ સ્ટેશન ખૂબ ઉપયોગી નીવડશે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ હમેશા બાળકોની ચિંતા કરતા હોય છે અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ પણ બાળકોની સલામતી માટે પ્રયાસ કરે છે, તેવામાં આવા પ્રોજેક્ટ થકી એક સેતુ બાંધી શકાશે...ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી
હેલમેટ ફરજિયાત પહેરવાની પ્રતિજ્ઞા : જે બાદ ગૃહમંત્રીએ જિલ્લા પોલીસ દ્વારા બાઈક આયોજિત બાઈક રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું, જેમાં હર્ષ સંઘવીએ જિલ્લાના પોલીસની સાથોસાથ હોમગાર્ડ અને જીઆઇડી જવાનોને 1850 જેટલા હેલમેટ વિતરણ કરવામાં આવ્યું હતું. અમદાવાદ જિલ્લાના સાણંદ જીઆઈડીસી પોલીસ મથકમાં ફરજ બજાવતા ASI હંસાબેન ચાવડાનું એક મહિના પહેલા અકસ્માતમાં મોત નિપજ્યું હતું, તેવામાં અમદાવાદ જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લા પોલીસમાં ફરજ બજાવતા તમામ પોલીસકર્મીઓને હેલમેટ આપવાનો નિર્ણય લીધો હતો. આ કાર્યક્રમમાં શામેલ તમામ પોલીસ જવાનોએ હેલમેટ ફરજિયાત પહેરવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી.