અમદાવાદ : ગુજરાત પોલીસ બેડામાં લાંબા સમય બાદ બદલીઓ કરવામા આવી છે. શુક્રવારે ઉચ્ચ અધિકારીઓની બદલી બાદ આજે રાજ્યનાં 22 જેટલા પીઆઈ તેમ જ 63 જેટલા પીએસઆઈની બદલી કરવામાં આવી છે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે બદલીનો આદેશ કર્યો છે, જેમાં અલગ અલગ જિલ્લાનાં 22 બિનહથિયારી પોલીસ ઈન્સપેક્ટરની બદલીઓ કરવામાં આવી છે.
પદર ખર્ચે હાજર થવાનો આદેશ : બિનહથિયારી પોલીસ ઈન્સપેક્ટરની બદલીઓેમાં વડોદરા, ભરૂચ, રાજકોટ, નર્મદા , બનાસકાંઠા, સીઆઈડી ક્રાઈમ અને એસીબી જેવી એજન્સીમાં ફરજ બજાવતા પીઆઈને બદલીનો આદેશ કરાયો છે. જે પોલીસ ઈન્સપેક્ટરને એક જ જિલ્લામાં ત્રણ વર્ષ કે તેથી વધુ સમય થયો હોય તેવા પોલીસ ઈન્સ્પેક્ટરને તાત્કાલિક ધોરણે બદલી કરવામાં આવી છે. 22 જેટલા પોલીસ ઈન્સ્પેક્ટરને પદર ખર્ચે બદલી કરેલી જગ્યાએ હાજર થવાનો આદેશ કરાયો છે.
બિનહથિયારી પીએસઆઈ બદલીઓ : તેવી જ રીતે ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં ફરજ બજાવતા બિનહથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટરોની પણ બદલીનો આદેશ થયો છે. અમદાવાદ શહેર અને ગ્રામ્ય, ખેડા, આણંદ, ગાંઘીનગર, સાબરકાંઠા, મહેસાણા, પંચમહાલ તેમજ દાહોદ, વલસાડ અને તાપી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર શહેર અને જિલ્લામાં ફરજ બજાવતા 63 પોલીસ સબ ઈન્સ્પેક્ટરની અલગ અલગ જિલ્લાઓમાં પદર ખર્ચે બદલી કરવામાં આવી છે.
ગુજરાતના વહીવટી વિભાગે કરી બદલીઓ : સૌથી વધુ અમદાવાદ શહેરના 11, અમદાવાદ ગ્રામ્યનાં 5, પંચમહાલનાં 4, વડોદરા શહેરના 4, એમ અલગ અલગ 63 PSIની બદલીઓ કરવામા આવી છે. ગુજરાત રાજ્યનાં વહીવટ વિભાગનાં પોલીસ મહાનિરીક્ષક બ્રજેશકુમાર ઝા દ્વારા આ બદલીનો આદેશ કરાયો છે.
85 પોલીસ અધિકારીઓની બદલી : મહત્વનું છે કે હજું પણ અનેક પોલીસ ઈન્સ્પેક્ટર તેમજ અન્ય પોલીસકર્મીઓની બદલીઓની યાદી ગૃહવિભાગે તૈયાર કરી છે. જેને પણ આવનાર ટૂંક સમયમાં જાહેર કરાશે. છેલ્લાં ધણાં સમયથી બદલીઓની રાહ જોઈ રહેલા આ 85 પોલીસ અધિકારીઓની બદલી થઈ છે.