અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટ ટ્રેડમાર્કના અધિકારોના ઉલ્લંઘન માટે ઓટોમોબાઇલ પાર્ટ્સ ડીલર સામેની એફઆઇઆર રદ કરી છે. ગુજરાત હાઇકોર્ટ આ કેસમાં મહત્વનું અવલોકન કરતા જણાવ્યું છે કે, ટ્રેડમાર્ક એક્ટ હેઠળ ફોજદારી કાર્યવાહી શરૂ કરતાં પહેલાં ટ્રેડમાર્કના રજીસ્ટ્રારનો અભિપ્રાય આવશ્યક છે અને આ કેસમાં જોગવાઇનું પાલન કરવામાં આવ્યું નથી માટે આ એફઆઈઆરને રદ કરવામાં આવે છે.
શું છે સમગ્ર કેસ : આ સમગ્ર કેસની વિગતો જોઈએ તો અમદાવાદ શહેરમાં આવેલા રૂષભ ઓટોમોબાઇલ્સ સ્ટોર પર 2013માં આઈપીઆર વિજિલન્સ ઇન્ડિયા કંપનીના પ્રતિનિધિ દ્વારા પોલીસ પાર્ટી સાથે શંકાના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા. આ શંકા કરવાનું કારણ એ હતું કે વૃષભ ઓટોમોબાઈલ્સ હ્યુન્ડાઇ મોટર કંપનીના નામે ડુપ્લીકેટ સ્પેરપાર્ટસ વેચી રહ્યા છે અને ત્યારબાદ આ સ્ટોરમાંથી તમામ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી.
લાંબા સમયથી કેસ પેન્ડિંગ રહ્યો ઋષભ ઓટોમોબાઇલ્સના માલિક મિહિર શાહ સામે આની વિરુદ્ધ નારણપુરા પોલીસ સ્ટેશનમાં ટ્રેડમાર્ક એક્ટ 1999 ની કલમ 101, 102, 103 ,104 અને 105 હેઠળ એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી. ફરિયાદ દાખલ થયા બાદ આ કેસ અંગે અમદાવાદ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. ઘણા લાંબા સમયથી આ કેસ પેન્ડિંગ રહ્યો હતો.
શંકાના આધારે કાર્યવાહી અરજદાર મિહિર શાહે એડવોકેટ સચિન વસાવડા દ્વારા આ ફોજદારી કાર્યવાહી રદ કરવા માટે હાઇકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. આ સમગ્ર મામલે દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે પોલીસ દ્વારા જે પણ શંકાના આધારે કાર્યવાહી કરી હતી. તેમાં ઘણી બધી ખામી છે. કારણ કે, ટ્રેડમાર્કના નિયમ પ્રમાણે દરોડા પહેલા રજીસ્ટ્રારનો અભિપ્રાય લેવો જરૂરી છે. જ્યારે ઋષભ ઓટોમોબાઇલ્સમાં જગ્યા પર દરોડા પાડતા પહેલા પોલીસે આ કેસમાં રજીસ્ટ્રાર પાસેથી કોઈ અભિપ્રાય મેળવ્યો ન હતો.
એફઆઈઆર રદ જસ્ટિસ જે. સી. દોશી દ્વારા આ સમગ્ર મામલે સુનાવણી બાદ જણાવ્યું હતું કે ટ્રેડમાર્ક એક્ટની કલમ 115( 4) મુજબ સ્પષ્ટ થાય છે કે, આ કેસમાં દરોડા પાડતા પહેલા પોલીસે રજીસ્ટ્રાર પાસેથી કોઈ અભિપ્રાય મેળવ્યો ન હતો. આ સાથે જ કોટે વધુ નોંધ્યું હતું કે આવા કેસની તપાસ જિલ્લા પોલીસ અધિક્ષકના હોદ્દાથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારી કરી શકે છે. જ્યારે આ કેસમાં નારાયણપુરા પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને તે કાયદાકીય જોગવાઈના ભંગ પ્રમાણે છે માટે આ એફઆઈઆર રદ કરવાનો કોર્ટે હુકમ આપ્યો છે.