અમદાવાદ : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નર્સિંગમા અભ્યાસ કરતી એકની એક વ્હાલસોયી દીકરી કિંજલ બ્રેઇનડેડ થતા તેના માતાપિતાએ અંગદાનનો નિર્ણય કર્યો હતો. કન્યાદાનનું સ્વપ્ન સેવી રહેલા માતાપિતાએ બ્રેઇનડેડ દીકરીનું અંગદાન કર્યું હતું. કિંજલના માતાપિતાના નિર્ણયના પગલે કિંજલના બે કિડની અને લિવરનું દાન સિવિલ હોસ્પિટલમાં કરાતાં ત્રણ દર્દીઓના જીવનમાં ફરી અજવાશ ફેલાયો હતો.
106મું અંગદાન : નર્સ બનીને લોકોની સેવાસુશ્રુષા કરવી એ અમારા દીકરીનું સ્વપ્ન હતું. મૃત્યુ બાદ પણ જરુરિયાતમંદોને નવજીવન મળે તે શુભ આશયથી અંગદાનનો નિર્ણય કર્યો હોવાનું અંગદાતા માતાપિતાએ જણાવ્યું હતું. બીજીતરફ સિવિલ હોસ્પિટલમાં 106મું અંગદાન ભાવુક બની રહ્યું હોવાનું અમદાવાદ સિવિલ સુપરિન્ટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો Lung transplant in Ahmedabad : ગુજરાતમાં ફેફસાંનું સફળ ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન, શું છે ઘટના જાણો વિશ્વ અંગદાન દિવસે ચર્ચાયા ઘણા રસપ્રદ ફેક્ટસ જેનાથી અજાણ હશો તમે |
અંગદાનની ભાવુક ક્ષણ : દીકરી વ્હાલનો દરિયો હોય છે અને દરેક માતાપિતા માટે દીકરી માટેનો વ્હાલ અને વાત્સલ્ય અદ્વિતીય હોય છે. આ બંધન અનુપમ છે. દીકરીના લગ્નમાં માતાપિતા જ્યારે કન્યાદાન કરે છે ત્યારે તે ક્ષણ જીવનની સૌથી ભાવુક ક્ષણ હોય છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કન્યાદાનથી પણ મોટું દાન કહી શકાય તેવું દીકરીના અંગોનું દાન માતાપિતાએ કર્યું હતું. નર્સિંગમા અભ્યાસ કરતી દીકરી બ્રેઇન્ડેડ થતાં માતા પિતાએ અંગદાનનો નિર્ણય કરીને જરુરિયાતમંદોને નવજીવન બક્ષ્યું હતું.
રોડ એક્સિડન્ટ બાદ બ્રેઇનડેડ : સમગ્ર ઘટના એવી છે કે મૂળ સુરેન્દ્રનગરની 19 વર્ષીય કિંજલબેન મેતાલીયાનો રોડ એક્સિડન્ટ થતા સઘન સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતાં. સતત 48 કલાકની સઘન સારવારના અંતે તબીબો દ્વારા કિંજલને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવી હતી. ત્યારે સિવિલ હોસ્પિટલની અંગદાનની ટીમ દ્વારા તેમના માતાપિતાને અંગદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. તબીબોએ હાથ ધરેલી અંગોના રીટ્રાઇવલની પ્રક્રિયાના અંતે બે કિડની અને એક લિવરનું દાન મેળવવામાં સફળતા મળી હતી.
માતાપિતાની પ્રતિક્રિયા : કિંજલના માતાપિતાએ દીકરીના અંગોનું દાન કર્યા બાદ ભાવુક થઈ જણાવ્યું કે, અમારી દીકરીએ નર્સિંગમાં અભ્યાસ કરવાનું નક્કી કર્યું હતું. તેને એડમિશન પણ મળ્યું . આ ક્ષણ અમારા જીવનની ખૂબ જ યાદગાર ક્ષણ બની રહી હતી. નર્સ બન્યા બાદ દર્દીઓની સેવાસુશ્રુષા કરવી તે જ મારી દીકરીના જીવનની અદમ્ય ઈચ્છા હતી. અભ્યાસ દરમિયાન જ તેનું મૃત્યુ થતાં તેના અંગો થકી પણ કોઈક જરૂરિયાતમંદના જીવનમાં ગુંજારવ પાથરી શકાય તેવા શુભ આશય સાથે અમે અમારી દીકરીના અંગોનું દાન કરવાનો જનકલ્યાણનો નિર્ણય કર્યો હતો. મારી દીકરીની બે કિડની અને એક લિવરના મળેલા દાન દ્વારા ત્રણ વ્યક્તિઓને નવજીવન મળ્યું છે તેનો અમને ગૌરવ છે.
પ્રથમ કિસ્સો : અમદાવાદ સિવિલ સુપરિન્ટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં 106મું અંગદાન અમારી સમગ્ર ટીમ માટે ખૂબ જ યાદગાર અને ભાવુક બની રહ્યું હતું. દીકરીનું કન્યાદાન કરતા માતાપિતા તો આપણે જોયા છે પરંતુ અકસ્માતમાં દેવલોક પામેલ દીકરી જ્યારે બ્રેઇન્ડેડ જાહેર થાય તો તેના અંગોનું દાન કરવાનો નિર્ણય માતાપિતાએ કર્યો હોય તેવો અમારા માટે પ્રથમ કિસ્સો હતો.