અમદાવાદ: બાપુનગર પોલીસ સ્ટેશનની હદ માંથી મહમદ મેરાજ ઉર્ફે માઈકલ પઠાણ નામનો યુવક ગુમ થયો હતો. જાણવા જોગ થયેલી પોલીસ ફરિયાદમાં પોલીસે ઊંડી તપાસ કરતા યુવતી સાથે સંબંધ રાખવા મામલે હત્યા થઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ કેસમાં પતિ પત્નીએ ભેગા થઈને યુવકની હત્યા કરી નાખી હતી. પછી પુરાવાનો નાશ કરવાના પ્રયાસો કર્યા હતા. સરપ્રાઈઝ આપવાના બહાને આંખ પર પાટા બાંધીને ગુનાને અંજામ આપ્યો.
પરિવારજનોને જાણવા મળ્યું: આ સમગ્ર મામલે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરતા ગુમ થનારની માતાની અને પરિવારજનોના નિવેદન લઈને તપાસ કરતા સામે આવ્યું હતું. કે ગુમ થનાર મોહમ્મદ મિરાજને બાપુનગરમાં રહેતા તેના મિત્ર મોહમ્મદ ઇમરાન ઉર્ફે સુલતાન સૈયદ સાથે એક વર્ષથી ખૂબ વધારે પ્રમાણમાં સંપર્ક હતો. ગુમ થનાર યુવક અવારનવાર તેના ઘરે જતો હતો અને ફોન પર વાતો કરતો હોવાનું સામે આવ્યું હતું.
અવારનવાર સમજાવવામાં: ઈમરાન ઉર્ફે સુલતાનની પત્ની રિઝવાના ઉર્ફે નેહાનું ચારિત્ર બરાબર ન હોવાનું પરિવારજનોને જાણવા મળ્યું હતું. જેથી ફરિયાદીએ મોહમ્મદ મિરાજને તેના મિત્ર ઈમરાન સાથે વધુ સંબંધ ન રાખવા માટે તેમજ ઘરે ન જવા માટે અવારનવાર સમજાવવામાં આવતો હતો. મોહમ્મદ મિરાજના ગુમ થવા પાછળ તેના મિત્ર ઇમરાન સુલતાન તેમજ તેની પત્ની રીઝવાનાનો હાથ હોય તેવું પરિવારજનોને શક હતો. જેના આધારે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી.આ મામલે તપાસ કર્યા બાદ ગુનાનો ભેદ ઉકેલાયો છે અને બંને આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે--ક્રાઈમ બ્રાન્ચના DCP ચૈતન્ય મંડલી
હકીકત કબુલ: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ખાનગી રાહે તપાસ કરતાં સામે આવ્યું હતું કે ઇમરાન ઉર્ફે સુલતાનને પોતાની પત્ની રીઝવાના ઉર્ફે નેહાને મોહમ્મદ મેરાજ ઉર્ફે માઈકલ પોતાની સાથે આડા સંબંધ રાખવા દબાણ કરતો હોવાનો વહેમ હતો. તે બાબતની દાઝ રાખતો હોવાનું તેમજ ગુમ થવામાં આ દંપતીનો જ હાથ હોય તેવી હકીકત ધ્યાને આવી હતી. આ સમગ્ર મામલે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે મોહમ્મદ ઇમરાન ઉર્ફે સુલતાન સૈયદને બોલાવીને પૂછપરછ કરતા તેણે હકીકત કબુલ કરી હતી.
તેની હત્યા કરી: તેણે જણાવ્યું હતું કે મોહમ્મદ મેરાજ ઉર્ફે માઈકલ તે પોતાનો મિત્ર હોય અને અવારનવાર ઘરે આવતો હતો. પોતાની પત્ની રીઝવાના ઉર્ફે નેહાની છેડતી કરતો હતો. જે અંગે દાઝ રાખી તેણે રીઝવાના ઉર્ફે નેહાની મદદથી પોતાના ઘરે મેરાજને બોલાવી સરપ્રાઈઝ ગિફ્ટ આપવાના બહાને વિશ્વાસમાં લઈ રિઝવાના ઉર્ફે નેહાએ મોહમ્મદ મેરાજની આંખો ઉપર દુપટ્ટો બાંધ્યો હતો. મોહમદ ઈમરાન સૈયદે મહંમદ મેરાજ ઉર્ફે માઈકલને પેટના ભાગે તલવાર ઘુસાડી આરપાર કરી તેની હત્યા કરી હતી.
આ પણ વાંચો Atiq Ahmed: પ્રયાગરાજથી માફિયા અતીક અહેમદને લઈ પોલીસનો કાફલો ગુજરાત આવવા માટે થયો રવાના
મૃતદેહના ટુકડા: જે બાદ તેની મૃતદેહનો નિકાલ કરવા માટે અને પુરાવાઓનો નાશ કરવા માટે મેરાજનું માથું ઘડથી અલગ કરી માથું કચરાના ઢગલામાં ફેંકી દઈ મૃતદેહના ટુકડાઓ કરી તેને થેલાઓમાં ભરી સ્કુટી ઉપર મૂકીને ઓઢવ ફાયર બ્રિગેડની પાછળ સીએમસીવેરા નજીક કેનાલમાં મૃતદેહના ટુકડા કરી ફેંકી દીધા હતા. જે બાદ આ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચે હત્યારા મોહમ્મદ ઇમરાન સુલતાનને સાથે રાખીને તેણે મૃતદેહના ટુકડાઓ થેલીમાં ભરીને જે જગ્યાએ ફેંક્યા હતા. ત્યાંથી અસ્થીઓ અને અધૂરા હાડપિંજર કબજે કર્યા હતા. અંતે આ સમગ્ર મામલે મોહમ્મદ ઇમરાન ઉર્ફે સુલતાન સૈયદ તેમજ રિઝવાના ઉર્ફે નેહા સૈયદ સામે હત્યા તેમજ પુરાવાઓનો નાશ કરવા સહિતની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી તેઓની ધરપકડ કરી છે.