અમદાવાદઃ દાણીલીમડા વિસ્તારમાં હોમ કવોરન્ટાઈન હેઠળ રહેલા એક પરિવારના મોભીની તબિયત અચાનક બગડતા તેમનો રિપોર્ટ કરતા તેમને કોરોના પોઝિટિવ હોવાનું માલુમ પડતા તાત્કાલીક શહેરની એસ.વી.પી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો.
પરંતુ તેમના પરિવારમાં તેમના પત્ની, પિતા અને સાડા ત્રણ વર્ષની દીકરી હજી પણ હોમ કવોરન્ટાઈન હેઠળ હોવાથી તેઓ ક્યાંય બહાર નીકળી શકે તેમ ન હતા. ઘરના મોભી જ જ્યારે સારવાર હેઠળ હોય ત્યારે પરિવારની ચિંતા તેમને સતત કોરી ખાતી હતી.
ઘરમાં જરૂરી ખાદ્યસામગ્રી અને ભોજન ખૂટી પડતાં તેમણે દવાખાનામાં રહીને જ ઇન્ટરનેટ પર સર્ચ કર્યું કે અમદાવાદમાં ભોજનની સુવિધા ઝડપથી પહોંચાડનાર કોઈ વ્યક્તિ, સંસ્થા કે તંત્રની સગવડતા જો મળે તો તેઓના પરિવારને ભોજન ઉપલબ્ધ થાય.
દવાખાનામાં રહીને કોરોના જેવી ગંભીર બીમારી સામે લડત આપતા આ ભાઈની મહેનત સફળ રહી અને તેમને અમદાવાદના પશ્ચિમના સાંસદ ડૉ.કિરીટભાઈ સોલંકી દ્વારા ચાલતી કોરોના વાઇરસ ભોજન હેલ્પલાઇનની વિગતો મળી હતી. તેમણે ફોન જોડ્યો અને ઉપરોક્ત તમામ વિગતો જણાવી હતી.
આવેલા ફોનની બધી વિગતો મેળવી ભોજન હેલ્પલાઇનનું સંચાલન કરનારે રાજ્યના મુખ્યપ્રધાનના અંગત સચિવ અશ્વિનીકુમારને તમામ વિગતોથી વાકેફ કર્યા અને સંવેદનશીલ વહીવટીતંત્રની પાંખે ત્વરિતપણે અમદાવાદ મહાનગરપાલિકાના કમિશ્નરને આ માહિતી પહોંચાડી હતી.
સંવેદનાસભર તંત્રની ટીમે વિલંબ કર્યા વિના દાણીલીમડા ખાતે રહેતા કોરોના પોઝિટિવ દર્દીના ઘરે જઈને તેમના પત્નીને જરૂરી ખાદ્યસામગ્રીની કીટ, બાળક માટે દુધના પાઉચ પૂરા પાડ્યા અને તંત્ર તમારા પરિવારની સાથે હંમેશા ખડેપગે રહેશે એવો સધિયારો આપ્યો હતો.