અમદાવાદ: અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર બેફામ રીતે કાર હંકારી 9 નિર્દોષ લોકોને મોતના મુખમાં ધલેકનાર તથ્ય પટેલની તપાસમાં એક બાદ એક ખુલાસાઓ સામે આવી રહ્યા છે. અગાઉ RTO સહિતના અલગ અલગ રિપોર્ટ પોલીસને મળ્યા હતા, ત્યારે અકસ્માત કરનાર જેગુઆર ગાડીના કંપનીના રિપોર્ટ પણ હવે પોલીસને મળી ગયા છે. જે રિપોર્ટ યુ.કે આવતા તેમાં મોટા ખુલાસા થયા છે.
યુ.કેથી આવેલા રિપોર્ટમાં ખુલાસો: જેગુઆર ગાડીના યુ.કેથી આવેલા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે અકસ્માત સમયે ગાડી ટક્કર મારતા 0.5 સેકન્ડમાં લોકો પર ગાડી ફરી ગઈ હતી. ગાડીની સ્પીડ 137 કિલોમીટરથી વધુની હતી. અકસ્માત કર્યા બાદ 108 કિલોમીટરની સ્પીડે ગાડી લોક થઈ ગયાનો રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે. અકસ્માત સમયે આરોપી તથ્ય પટેલે ગાડીમાં બ્રેક પર પગ મૂક્યો નથી, તે પણ રિપોર્ટમાં સામે આવ્યું છે.
ચાર્જશીટની તૈયારી: જેગુઆર કંપનીએ યુ.કેથી રિપોર્ટ મોકલાવતા હવે પોલીસ પાસે આરોપી તથ્ય પટેલ સામે વધુ મજબૂત પુરાવા એકઠા થયા છે. તેવામાં હજુ પણ સ્થળ પરના લોહીના નમુનાનો તેમજ કારમાંથી લેવામાં આવેલા DNA પ્રોફાઈલનો રિપોર્ટ પણ આવવાનો બાકી હોય તે પણ સાંજ સુધીમાં આવી જશે. જેથી આગામી 48 કલાકમાં પોલીસ દ્વારા આ કેસની ચાર્જશીટ કોર્ટમાં ફાઈલ કરી દેવામાં આવશે.
'અકસ્માત સર્જનાર કારના યુ.કેથી રિપોર્ટ આવી ગયા છે. અન્ય રિપોર્ટ પણ સાંજ સુધી આવી જશે. જેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.' -એન.એન. ચૌધરી, ટ્રાફિક JCP, અમદાવાદ શહેર પોલીસ
સ્પેશિયલ ડ્રાઈવ: રાજ્ય ભરમાં એક મહિના માટે પોલીસને ઓવર સ્પીડીંગ તેમજ રશ ડ્રાઈવીંગ, ડ્રીંક એન્ડ ડ્રાઈવ અંગે ઝુંબેશ કરવાનો આદેશ પોલીસ વડા વિકાસ સહાય દ્વારા આપવામાં આવ્યો છે. તેવામાં અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં પોલીસ દ્વારા રાતનાં 10 વાગેથી એક વાગે સુધી આ ડ્રાઈવ યોજવામાં આવી છે. જેમાં 22 જુલાઈ 2023 થી 24 જુલાઈ 2023 સુધીના 3 દિવસના સમયગાળામાં પોલીસે ઓવર સ્પીડીંગના 57 કેસ, ડ્રન્ક એન્ડ ડ્રાઈવના 16 કેસ તેમજ ભયજનક ડ્રાઈવીંગ (ડ્રેગ રેસ, ધુમ બાઈક) વગેરેના 119 કેસ એમ કુલ 192 કેસ દાખલ કર્યા છે. આ અંગે અમદાવાદ શહેર પોલીસના ડીસીપી કંટ્રોલ કોમલ વ્યાસે જણાવ્યું હતું કે પોલીસ કમિશનરશ્રીની સુચનાથી સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. રાત્રે 10 થી 1 દરમિયાન તમામ પોલીસ સ્ટેશન દ્વારા આ કામગીરી કરવામાં આવે છે.