અમદાવાદ: ઈસ્કોન બ્રિજ પર રાતના સમયે પુરઝડપે કાર હંકારી પોલીસકર્મી અને એક હોમગાર્ડ જવાન સહિત 9 લોકોને કચડી નાખનાર તથ્ય પટેલના રિમાન્ડ દરમિયાન અલગ અલગ બાબતો અંગે તપાસ કરવામાં આવી રહી છે. મોડી રાત્રે પોલીસે અકસ્માત સ્થળ પર કેટલી લાઈટ હતી તે બાબતો પર તપાસ કરી હતી. સાથે જ આરોપીના અકસ્માત પહેલા અને પછીના લોકેશન અને કોલ ડિટેઇલ સહિતની વિગતો એકત્ર કરવાની કામગીરી હાથ ધરી છે.
ગાડીને બ્રેક ન મારી હોવાની કબૂલાત: આરોપી તથ્ય પટેલે કબૂલાત કરી છે કે ઘટના સમયે ગાડીને બ્રેક મારી જ ન હતી. સ્પીડ બાબતે અલગ અલગ બાબતો કહી રહ્યો છે. ક્યારેક વધારે સ્પીડ તો ક્યારેક ઓછી સ્પીડ કહી રહ્યો છે. અમદાવાદ ટ્રાફિક પોલીસે તથ્ય પટેલના અલગ અલગ મેડિકલ ટેસ્ટ કર્યા હતા. જેમાં તે કોઈ પણ પ્રકારના નશામાં ન હોવાનો ખુલાસો થયો હતો. પરંતુ કારની સ્પીડ અને અન્ય બાબતોના રિપોર્ટ હજુ પણ પોલીસને મળ્યા ન હોવાથી તે રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. આરોપી નબીરા તથ્ય પટેલ પાસે 5 વૈભવી ગાડીઓ હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
30થી વધુ લોકોના નિવેદન લેવાયા: પોલીસે તેના મેડિકલ રિપોર્ટ કરાવ્યા બાદ આ કેસ સાથે સંકળાયેલા આરોપીઓના મોબાઈલ FSLમાં મોકલ્યા છે. સાથે જ મૃતકોના પરિવારજનોના નિવેદન લેવા માટે સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લાઓમાં ટીમ રવાના કરી છે. ગ્રામ્ય કોર્ટ દ્વારા તથ્ય પટેલના સોમવાર સાંજે 4 વાગે સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે તેવામાં તે પહેલાં પોલીસ દ્વારા અલગ અલગ મુદ્દાઓ પર તપાસ અને પૂછપરછની કામગીરી હાથ ધરાઈ છે. અત્યાર સુધીમાં આ કેસ સાથે સંકળાયેલા તથ્યના માતા, કાકા, કાકી, ગાડીના માલિક સહિત 30થી વધુ લોકોના નિવેદન પોલીસે નોંધ્યા છે.
અગાઉ પણ કર્યો છે અકસ્માત: તથ્ય પટેલ દ્વારા થોડા સમય પહેલા એક થાર ગાડી દ્વારા એક જગ્યાએ ગેટ સાથે ગાડી અથડાવી નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. જે અંગે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તે કારમાં પણ તથ્ય પટેલે પોતે જ હોવાની તેણે પોલીસ સમક્ષ કબૂલાત કરી છે. જેથી આગામી દિવસના તે થાર ગાડીનો માલિક કોણ હતો, તે શુ ઘટના હતી, ઘટના સમયે તથ્યની સાથે કોણ કોણ હતું, તે તમામ દિશામાં તપાસ હાથ ધરાશે. પોલીસે આરોપીના સોશિયલ મીડિયા એકાઉન્ટ અને અન્ય બાબતોને લઈને પણ તપાસ શરૂ કરી છે.
" આ મામલે તથ્ય પટેલના રિમાન્ડ દરમિયાન અલગ અલગ બાબતો પર તપાસ ચાલી રહી છે. આરોપીના સોશિયલ મીડિયા એકાઉન્ટની અને લોકેશન તેમજ CDR ની તપાસ ચાલુ છે. આ ઘટનામાં મોતને ભેટેલા મૃતકોના પરિવારજનોના નિવેદન લેવા ટીમ મોકલાઈ છે. અલગ અલગ રિપોર્ટ આવ્યા બાદ વધુ તપાસ હાથ ધરાઈ છે." - નીતા દેસાઈ, DCP, ટ્રાફિક પશ્ચિમ, અમદાવાદ