ગત ૨૯ મેના રોજ ખાનગી ન્યુઝ પેપરમાં જાહેર પ્રસિદ્ધ કરવામાં આવી હતી કે, " HOT & COOL FUN CLUBમાં હાઈ પ્રોફાઈલ ફીમેલનો સાથ અને બોરિંગ લાઈફને રંગીન બનાવો તથા પૈસા કમાવો. આ પ્રકારની લોભામણી જાહેરાત આપી આરોપીઓ ફોન કરનાર વ્યક્તિને પોતાની વાતોમાં લલચાવી ફોસલાવી ડેટિંગ ટ્રેપમાં ફસાવી છેતરપીંડી આચરતા હતા. સાયબર ક્રાઈમને આ અંગે બાતમી મળી હતી અને તપાસ કરતા ૬ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
આરોપીઓ કેતનકુમાર, વિજય ભટ્ટી, વિજય, મનીષા, રૂપલ અને ભરત એમ કુલ ૬ આરોપોની સાયબર ક્રાઈમે ધરપકડ કરી હતી. પકડાયેલ ૬ આરોપીઓમાં ૨ મહિલા આરોપી પણ છે. ભારત નામનો આરોપી જાહેરાત આપી મહિલાઓના ફોટા અને ભોગ બનનારા ગ્રાહકોના પૈસા માટે એકાઉન્ટની વ્યવસ્થા કરતો હતો. અન્ય આરોપીઓ ઓફિસમાં ભોગ બનનારા સાથે વાતચીત કરતા હતા..
આરોપીઓ ભોગ બનનારને જણાવતાં કે, ફોનમાં તેમની હાઈ-પ્રોફાઈલ મહિલાઓ સાથે મીટીંગ કરાવશે અને મહિલાઓના પતિ વિદેશમાંથી રહેતી હોવાથી મહિલાઓ તેમની સાથે રીલેશન રાખશે બદલામાં ૧૫ થી ૨૦ હજાર રૂપિયા પણ આપશે. આમ લાલચ આપી લોકો પાસેથી બેન્ક એકાઉનટમાં પૈસા મેળવતા હતા ત્યારબાદ મનીષા અને રૂપલનામની મહિલાઓ સાથે ભોગ બનનારને ફોન પર વાતચીત કરવાતા હતા અને અલગ-અલગ ચાર્જીસના નામે પૈસા પડાવતા હતા.
વધુમાં આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન ,રોકડ રકમ અને હિસાબી ચોપડા પણ જપ્ત કરવામાં આવ્યા છે. આરોપીઓ છેલ્લા ૫ વર્ષથી સક્રિય હતા અને રાજ્યમાં ૫૦૦થી વધુ લોકોને ભોગ બનાવ્યા હોવાનું પણ સામે આવ્યું છે.