દવાઓનો ગેરકાયદે જોખમકારક વેપાર અટકાવવા ગુજરાત ફાર્મસી કાઉન્સિલ તરફથી રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી નીતિનભાઈ પટેલ અને ફુડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનીસ્ટ્રેશન (એફડીસીએ) સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. જેમાં પુરાવા રજૂ કરીને એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ દુષણને તત્કાળ ડામવામાં નહિ આવે તો રાજ્યનું યુવાધન બરબાદ થઈ જશે.
આ બાબતમાં નાગરિકો તથા ફાર્માસીસ્ટો તેમજ મેડિકલ સ્ટોર માલિકોની અનેક ફરિયાદો ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલને મળી છે. રાજ્યના જાગૃત નાગરિકોએ દવાઓનું ઓનલાઈન વેચાણ કરતી ચાર અલગ અલગ કંપનીઓની વેબસાઈટ તથા એપ પર એક જ પ્રિસ્ક્રીપ્શન અપલોડ કરતાં તેમને કંપનીઓના પ્રતિનિધિનો ફોન આવ્યો હતો. તે પ્રતિનિધિને ગુજરાતી ભાષાનું જરાપણ જ્ઞાન ન હતું. ચારેય કંપની તરફથી દવા મોકલવામાં આવી તો તેનું તાપમાન જાળવવાની કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી. દવાના બિલ પર પ્રિસ્ક્રીપ્શનમાં દર્શાવેલા ડૉક્ટરના નામને બદલે બીજા જ ડૉક્ટરનું નામ આપવામાં આવ્યું હતું. બિલ પર ફાર્માસીસ્ટનો સિક્કો લગાવવો ફરજિયાત હોય છે તે પણ લગાવવામાં આવ્યો ન હતો. આ બધી બાબતો અંગે પુરાવા સહિત તેમણે ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલમાં રજૂઆત કરી હતી.
ગુજરાતમાં દવાઓનું મોટાપાયે ઓનલાઈન વેચાણ કરતી કંપનીઓ વિરૂદ્ધ ફરિયાદ કાઉન્સિલના પ્રમુખ મોન્ટુકુમાર પટેલે જણાવ્યું હતું કે આવું ચાલતું રહે તો યુવાપેઢી બોગસ પ્રિસ્ક્રીપ્શન તૈયાર કરીને નશાકારક દવાઓ ઓનલાઈન મંગાવતા થઈ જશે અને આપણું યુવાધન બરબાદ થઈ જશે. અમને આ બાબતમાં નાગરિકો તથા મેડિકલ સ્ટોર માલિકોની અનેક ફરિયાદો મળી છે. સચોટ પુરાવા સાથેની આ ફરિયાદો અંગે અમે રાજ્યના આરોગ્ય મંત્રીશ્રી તેમજ ફુડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનીસ્ટ્રેશન (એફડીસીએ)સમક્ષ રજૂઆત કરીને સત્વરે આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ કરાવવા અનુરોધ કર્યો છે. નજીકના ભવિષ્યમાં અમે કેન્દ્ર સરકારના સંલગ્ન મંત્રાલય તેમજ સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલઓર્ગેનાઈઝેશન સમક્ષ પણ આ બાબતમાં રજૂઆત કરવાના છીએ. જેથી દવાઓનું ગેરકાયદે ઓનલાઈન વેચાણ તત્કાળ અટકાવી શકાય. દવાઓના ઓનલાઈન વેચાણને રોકવામાં નહિ આવે તો સેલ્ફ - મેડિકેશન વધશે અને લોકો પોતાના પર જ જૂના પ્રિસ્ક્રીપ્શનોથી દવાઓના અખતરા કરતાં થઈ જશે. આવા સંજોગોમાં કોઈ દર્દીનું મૃત્યુ નિપજે તો તેના માટે જવાબદાર કોણ એવા સવાલો ઊઠી રહ્યા છે. સરકારે સામાન્ય જનતાને પરવડે એવા જનઔષધિ કેન્દ્રો શરૂ કર્યા છે, તેના અસ્તિત્વ સામે પણ દવાઓના ઓનલાઈન વેચાણની વ્યવસ્થા જોખમ ઊભું કરશે. ઈ-ફાર્મસીમાં સપ્લાય ચેઈન પાર્ટનર તરીકે મેડિકલ સ્ટોરમાં લાઈસન્સનો ઉપયોગ કરવાની સાથોસાથ નોકરી કરતા ફાર્માસીસ્ટોના રજીસ્ટ્રેશન રદ્દ કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવશે. જનતાના આરોગ્ય સાથે ચેડાં કરી રહેલા અને ફાર્મસી વ્યવસાયની પ્રતિષ્ઠાને ઝાંખપ લગાડતા ફાર્માસીસ્ટોના લાયસન્સ પણ સસ્પેન્ડ કરવામાં આવશે. નોંધપાત્ર બાબત એ છે કે ઓનલાઈન ફાર્મસીઓ તરફથી નીતિ-નિયમોને નેવે મુકીને ફાર્માસીસ્ટો પાસે કામ લેવામાં આવે છે. આવી ઓનલાઈન ફાર્મસી કંપનીઓમાં નોકરી કરતા ફાર્માસીસ્ટો વિરૂદ્ધ ફરિયાદો મળતા કાઉન્સિલમાં તેઓની ખાસ સુનાવણી હાથ ધરવામાં આવશે.બીજી બાજુ, કેટલાક ફાર્માસીસ્ટોએ ઈ-ફાર્મસીની ખરાઈ કરવા વિવિધ પોર્ટલ પર પ્રિસ્ક્રીપ્શન અપલોડ કર્યા હતા, તે વ્યવસ્થામાં તેઓને અનેક ગંભીર ક્ષતિઓ હોવાનું માલુમ પડ્યું હતું. એક કંપનીએ દવાઓના વેરીફિકેશનની વ્યવસ્થા વિના જ દવાઓ મોકલી આપી, જેના બિલ પર રજીસ્ટર્ડ ફાર્માસીસ્ટની વિગતો જેવી કે નામ, નોંધણી નંબર, વગેરે ન હતા. ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટ, 1948ના પીપીઆર-15 નિયમ મુજબ આવી દવાઓ અધિકૃત ફાર્મસીસ્ટ દર્દીનું કાઉન્સેલિંગ કરીને પછી જ આપી શકે. ઓનલાઈન દવા ખરીદી કરવામાં આવી તેની સરખામણીએ મોકલવામાં આવેલી દવાની બ્રાન્ડ બદલાઈ ગયેલી હતી. બ્રાન્ડેડ દવાને બદલે સસ્તા દરની જેનરિક દવા મોકલી દેવામાં આવી હતી. ભાવના તફાવતનું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું ન હતું.હકીકતમાં શેડ્યુલ એચ-1 દવા હોવાને કારણે તે દવાના પેકેટ પર એવું લખાણ દર્શાવવામાં આવેલું હતું કે સૂકા અને 25 ડિગ્રી નીચેના તાપમાનમાં રાખવી. આમછતાં દવાને સીધા સૂર્યપ્રકાશ અને ભેજથી રક્ષણ મળે એવા વાતાવરણમાં રાખવાના નિયમનો ભંગ કરીને દવા સાદા કુરિયરથી મોકલવામાં આવી હતી. આ દવાની આડઅસર કે ગંભીર તકલીફથી દર્દીનું મૃત્યુ થાય તો તે બાબતે જવાબદાર કોણ એવા સવાલો ઊઠી રહ્યા છે.