અમદાવાદ (PTI): ગુજરાત હાઈકોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી અંગે ગુજરાત યુનિવર્સિટી દ્વારા દાખલ કરવામાં આવેલા ફોજદારી માનહાનિના કેસમાં મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા AAP નેતાઓ અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહને જારી કરાયેલા સમન્સ પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો. અગાઉ ટ્રાયલ કોર્ટ દ્વારા જારી કરાયેલા સમન્સને રદ કરવાની માંગ કરતી તેમની સામાન્ય અરજીઓની સુનાવણી કરતી વખતે, જસ્ટિસ જેસી દોશીએ ગુરુવારે ગુજરાત યુનિવર્સિટી અને રાજ્ય સરકારને નોટિસ પાઠવી હતી. 3 નવેમ્બરના રોજ આગામી સુનાવણી હાથ ધરાશે.
સ્ટે આપવાનો ઈન્કાર: ગુજરાત યુનિવર્સિટી બદનક્ષી કેસમાં મેટ્રો કોર્ટના સમન્સ મુદ્દે અમદાવાદ સિટી સિવિલ કોર્ટે ચુકાદો આપતાં અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહની રિવીઝન અરજી ફગાવી દિધી હતી. જેથી અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહે સિટી સિવિલ કોર્ટનાં ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. આ કેસ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં જજ જે.સી.દોશીની કોર્ટ સમક્ષ આ સુનાવણી હાથ ધરાઈ હતી. અરવિંદ કેજરીવાલ અને સંજયસિંહ તરફે દિલ્હીથી એડવોકેટ રેબેકા જ્હોન દ્વારા વીડિયો કોન્ફરન્સથી દલીલો કરવામાં આવી હતી.
ગુજરાત યુનિવર્સિટીને નોટિસ: આપના નેતાઓએ હાઈકોર્ટનું ધ્યાન દોર્યું હતું કે ગુજરાત યુનિવર્સિટી બંધારણની કલમ 12 હેઠળ રાજ્યની વ્યાખ્યામાં આવે છે. જસ્ટિસ જે.સી.દોશીએ કહ્યું હતું કે અરજદારની બાબત સ્વીકારવામાં આવે છે અને યુનિવર્સિટીને નોટિસ આપવામાં આવે છે. કેજરીવાલ અને સંજય સિંહની અરજી પર અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી ટ્રાયલ કોર્ટની કાર્યવાહી સામે સ્ટે ઓર્ડરની માંગણી કરી હતી. જો કે કોર્ટે તે ગ્રાહ્ય રાખી ન હતી.
શું છે કેસ: અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટે કેજરીવાલ અને સિંહને 15 એપ્રિલે પીએમની ડિગ્રીના સંબંધમાં તેમના કટાક્ષ અને અપમાનજનક નિવેદનો બદલ યુનિવર્સિટી દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં સમન્સ પાઠવ્યા હતા. ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પીયૂષ પટેલે મોદીની ડિગ્રી અંગેના મુખ્ય માહિતી કમિશનરના આદેશને હાઈકોર્ટે રદ કર્યા બાદ AAPના બે નેતાઓ સામે તેમની ટિપ્પણીઓ બદલ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. બંને નેતાઓએ મેટ્રોપોલિટન કોર્ટ દ્વારા જારી કરાયેલા સમન્સને પડકારતી સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી કરી હતી. જો કે, સેશન્સ કોર્ટે 7 ઓગસ્ટના રોજ ટ્રાયલ પર વચગાળાના સ્ટેની તેમની અરજી ફગાવી દીધી હતી, ત્યારબાદ તેઓએ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો.