અમદાવાદઃ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત ઑસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ મેચ જોવા મોટી સંખ્યામાં પ્રેક્ષકો આવ્યા હતા. અહીં મેચ જોવા આવનારા લોકોને ખાલિસ્તાની આતંકીના નામે ધમકીભર્યા મેસેજ મોકલવા બદલ સાઈબર ક્રાઈમે મધ્યપ્રદેશથી 2 આરોપીની ધરપકડ કરી હતી. આમાંથી એક આરોપી રાહુલ દ્વિવેદીની તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. કારણ કે, આ કેસમાં દુબઈ કનેક્શન ખૂલ્યું છે.
આ પણ વાંચોઃ Ahmedabad Crime : ક્રિકેટ નિહાળવા જતા લોકોને આતંકીઓએ આપી ધમકી, પોલીસે તપાસનો કર્યો ધમધમાટ
આરોપી દુબઈમાં શીખ્યો ટેકનોલોજીઃ સાઈબર ક્રાઈમે આ મામલે આરોપી રાહુલ કુમાર દ્વિવેદી અને નરેદ્ર કુશવાહ નામના શખ્સોની મધ્યપ્રદેશના સતનાથી ધરપકડ કરી હતી. બંને શખ્સો પાસેથી સાઈબર ક્રાઈમે 180 જેટલા સીમ કાર્ડ, 5 રાઉટર અને 11 સીમ બોક્સ સહિત 6 જેટલા મોબાઈલ ફોન કબ્જે કર્યા હતા. તો આ મામલે પકડાયેલા આરોપીઓમાંથી એક રાહુલ દ્વિવેદી વર્ષ 2021માં દુબઈ ખાતે વર્ક પરમીટ પર જઈને આ ટેક્નોલોજી શીખીને આવ્યો હોવાની તેણે કબૂલાત કરી છે. 24 માર્ચ 2021ના રોજ તે પહેલી વાર દુબઈ ગયો હતો અને ત્યાં ઇલેક્ટ્રિકનું કામ કરતો હતો, જેમાં દર મહિને 750 દિરહમ અને 300 દિરહમ જમવાના મળતા હતા.
આરોપી દુબઈમાં કમ્યુનિકેશન સિસ્ટમ પણ શીખ્યોઃ આરોપી રાહુલ દ્વિવેદી 35 દિવસ દુબઈમાં રોકાઈને ભારત પરત ફર્યો હતો. ને થોડા સમય બાદ ફરી દુબઈ ગયો હતો અને ઈન્ટરનેશનલ કૉલિંગ કરવા માટેની કમ્યુનિકેશન સિસ્ટમ વિશેની માહિતી વિવિધ વિદેશી લોકો દ્વારા જાણી હતી. સાથે જ ઈન્ટરનેશનલ વૉઈપ કૉલને ડોમેસ્ટિક વૉઇપ કૉલમાં કેવી રીતે કન્વર્ટ કરવા તેમ જ ઈન્ટરનેશનલ કૉલ કરવા માટેના ડમી ટેલિકોમ એક્સચેન્જ કેવી રીતે કામ કરે છે તે તમામ બાબતો શીખી હતી.
વિદેશી નાગરિકોના આતંકી સંગઠનો સાથેના સંબંધ અંગે તપાસ શરૂઃ ત્યારબાદ આરોપી રાહુલ દ્વિવેદીને આ કામ સારું લાગતા તેણે પોતે કમિશન ઉપર ઈન્ટરનેશનલ કૉલિંગ માટેની મિનીટ્સ વેચવાનો વ્યવસાય વિદેશી નાગરિકો સાથે મળીને શરૂ કર્યો હતો. રાહુલ દ્વિવેદી ત્રણ આંતરરાષ્ટ્રીય વ્યક્તિઓ સાથે સંપર્કમાં રહીને આ પ્રકારના કામના જાણકાર રહેતા લોકોની માહિતી મેળવતો હતો. તેણે વિદેશમાં રહીને કમ્યુનિકેશન સિસ્ટમ કેવી રીતે કામ કરે છે. તે બાબતોનું જ્ઞાન મેળવ્યું હતું. ત્યારે તેની સાથેના વિદેશી નાગરિકો આતંકી સંગઠનો સાથે સંબંધ ધરાવતા હતા કે, કેમ તે દિશામાં તપાસ શરૂ કરાઈ છે. આરોપી રાહુલ દ્વિવેદીની તપાસમાં સામે આવ્યું હતું કે, મુંબઈના એક યુવક પાસેથી તેણે આ સિમબોક્સ ખરીદ્યા હતા. ત્યારે આ મામલે સાઈબર ક્રાઈમે અન્ય આરોપીઓની પણ શોધખોળ શરૂ કરી છે.
ક્રાઈમબ્રાન્ચે જાણવાજોગ દાખલ કરી હતીઃ આપને જણાવી દઈએ કે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલી ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ ક્રિકેટ મેચ જોવા માટે જઈ રહેલા લોકોને ખાલિસ્તાની આતંકીઓએ 'ઘરમાં રહો, સુરક્ષિત રહો'ના પ્રિરેકોર્ડેડ મેસેજ કરીને ધમકીઓ આપી હોવાની બાબત સામે આવી હતી. આ મામલે અમદાવાદ શહેર ક્રાઈમબ્રાન્ચે પ્રિરેકોર્ડેડ મેસેજ ટ્રેસ કરીને જાણવાજોગ દાખલ કરી હતી.
સોશિયલ મીડિયાની મદદથી વાઈરલ કરાયો હતો ધમકીભર્યો મેસેજઃ અમેરિકા સ્થિત ખાલિસ્તાની આતંકી ગુરૂપતવંત સિંહ પન્નુના અવાજમાં આ મેસેજ રેકોર્ડ કરવામાં આવ્યો હતો. તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂદ્ધ અનેક ઉચ્ચારણો કરીને ગુજરાતના લોકોને ઘરમાં રહો, સુરક્ષિત રહો તે પ્રકારે અંગ્રેજીમાં મેસેજ કરવામાં આવ્યો હતો. આ મેસેજ રાજ્યના અલગ અલગ જિલ્લાના લોકોને ફોન કરીને સંભળાવવામાં આવ્યો હતો. ત્યારે અમદાવાદ શહેર ક્રાઈમબ્રાન્ચે આ મેસેજને ટ્રેસ કરીને તપાસ શરૂ કરી હતી. આ મેસેજ સોશિયલ મીડિયાના માધ્યમથી પણ વાયરલ કરવામાં આવ્યો હતો.
પોલીસની ટીમની સોશિયલ મીડિયા પર બાજ નજરઃ ગુજરાત પોલીસે આ સમગ્ર મેસેજને પગલે ખાસ કાર્યવાહી કરી હતી. ખાલિસ્તાની આતંકીઓને પાકિસ્તાની જાસૂસી એજન્સી ISIનું સમર્થન હોવાથી સ્લિપર સેલ મેચ દરમિયાન કોઈ ઘટનાને અંજામ ન આપે તે માટે પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. આ મામલે ગુજરાત ATS, અમદાવાદ ક્રાઈમબ્રાન્ચ, સ્પેશિયલ ઑપરેશન ગૃપ SOG, અને સાયબર ક્રાઈમે અલગ અલગ રીતે તપાસ શરૂ કરી સોશિયલ મીડિયા ઉપર પણ ખાસ બાજ નજર રાખવાની શરૂ કરી હતી.
NIA સહિતની એજન્સીઓ કરી રહી છે પૂછપરછઃ આ અંગે NIA સહિતની એજન્સીઓએ બંને આરોપીઓની પૂછપરછ કરી હતી. ત્યારબાદ આરોપીઓને સાઈબર ક્રાઈમને સોંપાતા આરોપીઓને અમદાવાદ લાવવામાં આવ્યા હતા અને બંને સામે સાઈબર ક્રાઈમે UAPA (Unlawful Activities Prevention Act) હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. તો ઝડપાયેલા આરોપીઓમાં રાહુલ હરિહરપ્રસાદ દ્વિવેદીએ ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો છે. જ્યારે અન્ય આરોપી નરેન્દ્ર ઓમપ્રકાશ કુશવાહે ધોરણ 8 સુધી અભ્યાસ કર્યો છે. ગુજરાતમાં જે અલગ અલગ લોકોને ધમકીભર્યા પ્રિરેકોર્ડેડ મેસેજ ઑડિયો મોકલવામાં આવ્યા હતા. તે આ આરોપીઓએ મોકલ્યા હોવાનો ખૂલાસો થયો છે.
આરોપીઓ પાસેથી મુદ્દામાલ કબજે કરાયોઃ આ મામલે ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ કરતા તેમની પાસેથી 11 સીમ બોક્સ મશીન મળી આવ્યા હતા. તેમ જ અન્ય બાબતે આ ગુનામાં પકડવાના બાકી મોસીન નામના વ્યક્તિ પાસેથી એપ્રિલ 2022થી માર્ચ 2023 સુધીમાં સિમ બોક્સ ખરીદી મધ્યપ્રદેશ રાજ્યના સતના શહેર તેમ જ રિવા શહેરમાં ભાડે મકાન રાખી નકલી ટેલિકોમ એક્સચેન્જ ઊભું કર્યું હતું. તેમાં 32 પોર્ટના 11 સિમ બોક્સ લગાવ્યા હોવાનો ખૂલાસો થયો હતો.
ભારતે ગુરૂપતવંત સિંહ પન્નુને જાહેર કર્યો હતો આતંકવાદીઃ મહત્વનું છે કે, ગુરૂપતવંત સિંહ પન્નુને વર્ષ 2020માં ભારત દેશના ગૃહ વિભાગે આતંકવાદી જાહેર કર્યો હતો. તેમ જ તેના સંગઠન શીખ ફોર જસ્ટિસને વર્ષ 2019માં આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યું છે. આરોપીઓને ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલા છે તેવું જાણવા છતાં આ પ્રવૃત્તિ કરતા હતા. ત્યારે બંને આરોપીઓએ અત્યાર સુધીમાં 1,100 વધુ સીમકાર્ડનો ઉપયોગ જુદાજુદા ઑર્ગેનાઈઝ્ડ ક્રાઈમને અંજામ આપવાના ઉદ્દેશ્યથી કર્યો છે. આ મામલે અલગ અલગ મુદ્દે સાઈબર ક્રાઈમે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચોઃ Ahmedabad Crime: ખાલિસ્તાની આતંકીઓના નામે ધમકીભર્યો મેસેજ મોકલનારા 2ની ધરપકડ, પાકિસ્તાની કનેક્શન ખૂલ્યું
આરોપીઓના આતંકવાદી ગુરૂપતવંત સિંહ સાથેના સંબંધો અંગે તપાસ શરૂઃ આ અંગે અમદાવાદ શહેર સાઈબર ક્રાઈમના ACP જે. એમ. યાદવે જણાવ્યુ હતું કે, આરોપીઓના રિમાન્ડ મેળવી તપાસ કરતા વિદેશના લોકો સાથે તેના સંપર્ક સામે આવ્યા છે. જોકે, હજી તેના ગુરૂપતવંતસિંઘ પન્નુ સાથેના સંબંધો અંગે તપાસ હાથ ધરાઈ છે.