અમદાવાદઃ સરખેજમાં રહેતી યુવતી સોશિયલ મિડીયામાં મિત્રો રાખતી અને વાતચીત કરતી હતી. તે વાત એકતરફી પ્રેમમાં રહેલા યુવકને ગમી નહીં અને તેણે યુવતીને સબક શીખવાડવા માટે યુવતીના નામના 20 ડુપ્લીકેટ એકાઉન્ટ બનાવી બિભત્સ લખાણો લખ્યાં હતાં. યુવતીને જાણ થતાં પોલીસનો સહારો લઇ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. જો કે, પુત્રની આ હરકતથી તેના માતાપિતાને પોલીસ સ્ટેશનમાં બેસીને રોવાનો વારો આવ્યો છે અને હવે ઇન્સ્ટાગ્રામ આ એન્જીનિયરિંગનો અભ્યાસ કરતા યુવક માટે સજા બની ગયું છે.
અમદાવાદના સેટેલાઇટના બ્યુટી પાર્લરમાં કામ કરતી યુવતીએ ઇન્સ્ટાગ્રામ પર બિઝનેસ એકાઉન્ટ બનાવ્યું હતું. જેના થકી અંકિત સોલંકી નામના યુવક સાથે એક વર્ષ પહેલાં મિત્રતા થઈ અને યુવતીને છોકરાઓ મિત્ર હોવાથી વહેમ રાખતા ઝઘડો થયો હતો. જે વાતનું મનદુઃખ થતા યુવતીના નામથી અશ્લીલ શબ્દો સાથે ફેક આઇડી બનાવ્યા અને એ પણ એક બે કે ત્રણ નહિ પણ 20 જેટલા એકાઉન્ટ આ યુવતીના નામના બનાવી દીધા હતા. બાદમાં તે એકાઉન્ટ પરથી યુવતી અને તેની મિત્રને ગાળો આપી અને ફેક આઇડીમાં બંનેના મોબાઈલ નંબર મૂકી લોકોને ફોન કરાવતો હતો. સાયબર ક્રાઇમે આ અંગે ફરિયાદ લેતાંની સાથે જ આરોપીની પાટણથી ધરપકડ કરી છે.
સાયબર ક્રાઇમના ઇન્ચાર્જ એસીપી વી બી બારડે જણાવ્યું છે કે ઇન્સ્ટાગ્રામ પર 20 ફેક આઈડી બનાવી યુવતીને હેરાન કરનાર અંકિત સોલંકી પાટણનો રહેવાસી તેમજ મિકેનિકલ એન્જીનીયર તરીકે મહેસાણામાં અભ્યાસ કરે છે. તેના માતાપિતા સરકારી શાળામાં શિક્ષક છે. જ્યારે આ અંકિત નામનો આરોપી બિભત્સ ગાળો બોલતો ત્યારે યુવતી તેને પોલીસ ફરિયાદ કરવાનું કહેતી હતી. ત્યારે આરોપી પોતાના કાકા આઇપીએસ ઓફિસર હોવાનું જણાવી તેનું પોલીસ કશું બગાડી નહીં શકે તેવી ધમકી યુવતીને આપતો હતો, પણ હકીકતમાં પોલીસે તેની પર કેસ કરી ધરપકડ કરી છે. પોલીસે ટેક્નિકલ એનાલિસિસ કરીને આરોપીની ધરપકડ કરી પણ હવે આરોપીએ કરેલી હરકત બાદ ધરપકડ થતાં તેને પસ્તાવો થઇ રહ્યો છે. પણ યુવતી સાથે જ્યારે કોઇ આવી હરકત કરે છે ત્યારે પોલીસ તેને બક્ષતી તો નથી જ તે વાત સાર્થક થઇ છે.