અમદાવાદ : અમદાવાદ શહેરમાં હત્યાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે. થોડા દિવસો પહેલા જ માધુપુરા વિસ્તારમાં એક યુવકની તેની પત્ની સહિતના પરિવારજનોએ એસિડ પીવડાવી હત્યા કરી હતી. જે ગુનામાં આરોપીઓને જેલહવાલે કરાયા છે. ત્યાં ફરી એક વાર માધુપુરામાં જ હત્યાની ઘટનાને અંજામ આપવામા આવ્યો છે. જૂના ઝઘડાની અદાવતમાં એક યુવકને 4 શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ મામલે પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
મૃતકને શરીરના અલગ અલગ ભાગો પર 11 થી 12 ઘા મારીને હત્યાને અંજામ આપવામાં આવ્યો છે. આરોપીઓ દ્વારા અન્ય એક આરોપીના કહેવાથી આ ગુનાને અંજામ આપવામા આવ્યો હોવાની પણ વાત સામે આવી છે. મૃતકના પરિવારજનો અને સ્થાનિક વેપારીઓ વચ્ચે સારો સંબંધ હોવાથી આ ઘટનામાં મોતને ભેટેલા યુવકના આત્માને શાંતિ મળે તે માટે વેપારીઓએ માર્કેટ બંધ રાખ્યું હોવાની હકીકત જાણવા મળી છે. આરોપીઓને પકડવા ટીમો કામે લગાડવામાં આવી છે...ડી. વી. રાણા (એસીપી, એલ ડિવિઝન)
15 ઓગસ્ટે બની આ ઘટના : માધુપુરાના કૃણાલ ઠાકોર નામના યુવકની હત્યાની ઘટનાને લઇને કેટલીક વિગતો બહાર આવી છે. 15 ઓગસ્ટના રોજ કૃણાલ ઠાકોરના પિતા દિલીપભાઈ ઠાકોર માધુપુરા ચોકમાં તેઓના મિત્રો તેમજ 17 વર્ષીય દિકરા ક્રિષ્ના સાથે બેઠા હતાં. તે સમયે તેઓના ઘર પાસે રહેતા કરણ રાજપૂત, પીયૂષ ઠાકોર, ચિરાગ ઠાકોર તેમજ રાજ ઠાકોર નામના 4 યુવકો તેઓની પાસે આવ્યા હતાં. 3 મહિના અગાઉ ફરિયાદીની પત્ની ભાવનાબેનને તેઓના ઠાકોરવાસમાં રહેતા દશરથ ઉર્ફે કાળુ ડાભી ઠાકોર સાથે ઝઘડો થયો હતો. તે બાબતની અદાવત રાખી રાજ ઠાકોર તેના મિત્રો સાથે ત્યાં આવી ગાળો આપતો હતો.
માતા ફરિયાદ નોંધાવવા ગઇ તેની પાછળ ગયો યુવક : વધુ ઝઘડો ન થાય તે માટે ફરિયાદીની પત્ની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે નીકળ્યા હતા. જે અંગેની જાણ તેઓના મોટા દીકરા કૃણાલ ઠાકોરને થતા તે બુલેટ લઈને માધવપુરા પોલીસ સ્ટેશન જતો હતો. જે સમયે તેઓએ દીકરા કૃણાલને ફોન કરતા તેણે ફોન ઉપાડ્યો ન હતો અને થોડી વાર પછી અજાણ્યા વ્યક્તિએ કૃણાલનો ફોન ઉપાડી તેઓને જણાવ્યું હતું કે માધુપુરા દિલ્હી દરવાજા વિશ્રામ ગૃહ પાસે આવેલી લક્ષ્મી નમકીનની બાજુમાં શ્રી રામ પાન પાર્લર પાસે આ ફોનના માલિક લોહીલુહાણ હાલતમાં પડ્યાં છે.
યુવકે ઈજા પહોંચાડનારાના નામ આપ્યાં : જાણ થતાં ફરિયાદી તરત જ સ્થળ ઉપર પહોંચતા ત્યાં કૃણાલ લોહીલુહાણ હાલતમાં જોવા મળતા તેને પૂછતા જણાવ્યું હતું કે કરણ રાજપૂત, પીયૂષ ઠાકોર, ચિરાગ ઠાકોર તેમજ રાજ ઠાકોરે તેને છરીના ઘા મારીને ઈજાઓ પહોંચાડી છે. જે બાદ તરત જ 108ને જાણ કરી કૃણાલને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ લઈ જતા તબીબે કૃણાલ ઠાકોરને મૃત જાહેર કર્યો હતો. અંતે આ સમગ્ર મામલે માધુપુરા પોલીસે ચારેય આરોપીઓ સામે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
માધુપુરા માર્કેટ વેપારીઓએ બંધ પાળ્યો : આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત જોવા મળ્યા હતાં અને માધુપુરા માર્કેટના વેપારીઓએ પણ બંધ પાળ્યો હોવાથી પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો બંદોબસ્ત ઘટના સ્થળ અને આસપાસના બજારમાં ગોઠવવામાં આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં એ પણ સામે આવ્યું કે ફરિયાદી અને આરોપીઓ વચ્ચે અગાઉ પણ અણબનાવ થતા સામ સામે ફરિયાદ નોંધાઈ હતી.