અમદાવાદઃ અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં સગીરા સાથે કુકર્મ કર્યાની ઘટના બની છે. જેમાં 23 વર્ષના યુવાને 13 વર્ષની દીકરીને પોતાની પ્રેમલીલામાં ફસાવીને હવસભૂખ સંતોષી હતી. જેમાં સગીરાને અચાનક પેટમાં દુખાવો થતા સમગ્ર કાંડ ઉઘાડો પડ્યો હતો. સગીરાના ઘરની બાજુમાં રહેતા 23 વર્ષીય યુવકે પ્રેમ જાળમાં છેલ્લા એક વર્ષથી તેની સાથે સંબંધો બાંધ્યા હતા. જેના કારણે સગીરાને ગર્ભ રહી ગયો હતો. પછી એને પેટમાં દુખાવો થતા પરિવાર સામે આખી ઘટના આવી.
આ પણ વાંચોઃ Ahmedabad Crime : પોલીસ મારું કશું ઉખાડી નહીં શકે, વ્યાજખોરે 12 લાખની સામે 18 લાખ લીધા
પોલીસે ધરપકડ કરીઃ આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધી આરોપી યુવકની ધરપકડ કરી છે. વટવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી સગીરાને થોડાક દિવસો પહેલા પેટમાં દુખાવો થયો હતો. તેણે આ અંગે માતાને જાણ કરી હતી. માતા તેને ડોક્ટર પાસે લઈ જતા ડોક્ટરે જણાવ્યું હતું કે, સગીરાને આઠ માસનો ગર્ભ છે. આ હકીકત સાંભળીને માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ. આ મામલે માતા અને પરિવારને પૂછતા તેને જણાવ્યું હતું કે, સગીરા જ્યાં રહે છે ત્યાં મજૂરી કામ દરમિયાન એક વર્ષ પહેલાં એક યુવકના પરિચયમાં આવી હતી. આરોપી પીડિતા કરતા 10 વર્ષ મોટો છે.
આ પણ વાંચોઃ Ahmedavad news: મહેસાણામાં દલિત યુવતી સાથે દુષ્કર્મ અને હત્યા
પ્રેમજાળમાંથી પાપઃ યુવાન સગીરાને પ્રેમ જાળમાં ફસાવીને મળવા બોલાવતો હતો. પછી પ્રેમલીલા શરૂ થઈ હતી. એક દિવસ મળવા આવવાનું કહીને દુષ્કર્મ કર્યું હતું. સગીરાને માટી ખાવાની ટેવ હોવાથી તેનું પેટ ફુલતા તેને માટીની ગાંઠ હોવાની પરિવારજનોને આશંકા હતી. અચાનક પેટમાં દુખાવો વધી જતા હોસ્પિટલમાં સોનોગ્રાફી કરાવતા આઠ માસનો ગર્ભ હોવાનો ખુલાસો થયો હતો. આ મામલે સગીરાની માતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આરોપી યુવકની ધરપકડ કરી છે. આ મામલે દુષ્કર્મ અને પોકસો જેવી કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી મેડિકલ ટેસ્ટ સહિતની પ્રક્રિયાઓ પોલીસે શરૂ કરી છે.