અમદાવાદ : અમદાવાદ શહેરમાં ફરી એક વખત નશીલા પદાર્થોના સામાનની હેરાફેરી સામે આવી છે. આ વખતે પણ અનેકવાર ડ્રગ્સ વેચાણ અને લાવવા લઇ જવાના ગુનામાં પહેલાં પકડાઇ ચૂકેલા પકડાયેલા રીઢા આરોપીને ફરી પકડી લેવામાં આવ્યો છે.આરોપી સલીમ પટેલને વધુ એક વખત ગાંજાના જથ્થા સાથે પકડી લેવાયો છે. આરોપી સલીમ પટેલની પાસેથી 17 કિલો ગાંજાનો જથ્થો કબજે કરી અમદાવાદ એસઓજીએ આરોપીની સઘન પૂછપરછ સહિતની તપાસ હાથ ધરી હતી. જેમાં આરોપી સલીમના અનેક કૃત્યો મુદ્દે અનેક ખુલાસાઓ સામે આવ્યા છે.
આ પણ વાંચો Surat Crime : શેરડીના ખેતરમાં છુપાયેલા 334 કિલો ગાંજા પર પોલીસે માર્યો છાપો
એસઓજી ટીમને મળી બાતમી : અમદાવાદ શહેર એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે શાહઆલમ વિસ્તારમાં રહેતો સલીમ ઉર્ફે ચા વાલા પટેલ નામનો યુવક સુરતથી ગાંજાનો જથ્થો લઈને અમદાવાદમાં પ્રવેશવાનો છે. આ બાતમીના આધારે અમદાવાદ દક્ષિણના જશોદાનગર ચાર રસ્તા પાસેથી એસઓજીએ વોચ ગોઠવી દીધી હતી. જ્યારે કારમાં સલીમ ઉર્ફે ચા વાલા પટેલને પકડીને 17 કિલોથી વધુ ગાંજાનો જથ્થો કબજે કર્યો હતો. પકડાયેલા આરોપીની પૂછપરછ કરતા આ ગાંજાનો જથ્થો તે સુરતમાં અશ્વિનીકુમાર વિસ્તારમાં રહેતા લાલા નામના વ્યક્તિ પાસેથી લાવ્યો હોવાની કબૂલાત કરી હતી.
ગાંજાનો વેપારી છે સલીમ : આ મામલે પકડાયેલો આરોપી પોતે ગાંજાનો વેપાર કરતો હોય અને ગાંજો અમદાવાદમાં વેચવા માટે લાવ્યો હોવાની કબૂલાત કરી હતી. પકડાયેલો આરોપી સલીમ પટેલ અગાઉ ક્રાઈમ બ્રાન્ચ અને SOGમાં ડ્રગ્સ અને હથિયારના કેસમાં તેમજ દાણીલીમડા, રાજકોટ સહિતના 8 ગુનાઓમાં પકડાયો હોવાનું સામે આવ્યું છે અને બે વખત તે પાસા પણ ભોગવી ચુક્યો હોવાનું ખુલ્યું છે. એસઓજી ક્રાઈમે આ મામલે 1 લાખ 79 હજારની કિંમતનો ગાંજો તેમજ કાર સહિત 2 લાખ 82 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.
2010થી નશીલા પદાર્થનો વેપાર : આ અંગે અમદાવાદ શહેર એસોજી ક્રાઈમના ACP બી.સી સોલંકીએ જણાવ્યું હતું કે પકડાયેલો આરોપી વર્ષ 2010થી ગાંજાના વેપાર સાથે સંકળાયેલો હોય બાતમીના આધારે તેની ધરપકડ કરી તેને ગાંજાનો જથ્થો આપનાર સુરતના આરોપીની પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે.