અમદાવાદ : સાણંદ તાલુકાના મોરૈયામાં ગામ રોડ નજીક રહેતા દેવાંગ ચૌહાણ નામના 32 વર્ષીય યુવકે આ અંગે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી યુવક એસજી હાઇવે ઉપર આવેલી ઓફિસમાં થ્રીડી ડિઝાઇનર તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. 21/04/2023 ના રોજ ફરિયાદી તેઓની ઓફિસે હતા, તે સમયે વ્હૉટ્સએપ ઉપર અજાણી વ્યક્તિએ ફોન કર્યો હતો અને જે બાદ બીજા દિવસે પણ રાત્રેના સમયે વ્હૉટ્સએપ પરથી મેસેજ આવ્યો હતો. જે મેસેજમાં પાર્ટ ટાઈમ જોબ કરવા માટે 05થી 12 હજાર રૂપિયા મળે તે પ્રકારનો ઉલ્લેખ હોય ફરિયાદીએ મેસેજ કરતા સામેથી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાની વાત કરી દરરોજ 100થી 300 રુપીયા મળશે તેવી લાલચ આપી હતી.
પાર્ટ ટાઈમ જોબની લાલચ પડી ભારે : જે બાદ યુવકે યુટ્યુબની લીંક સબસ્ક્રાઇબ કરી લાઇક કરીને ઓપન કરતા તે લિંક ઉપર એક કોડ આવ્યો હતો. જે બાદ જે નંબર ઉપર ફરિયાદીએ પોતાનું એકાઉન્ટ ઇ-મેલ આઇડી તેમજ મોબાઈલ નંબર અને બેંકની વિગતો ભરી હતી અને ટેલિગ્રામ આઈડી ઉપરથી પણ બારકોડ સ્ટીકર મોકલી તેની ઉપર વિગતો મોકલવાનું જણાવતા ટેલિગ્રામમાં જાનવી સિંઘ નામની એક યુવતીની આઈડી પર યુવકે પર્સનલ ડીટેલ મોકલી આપી હતી. ફરિયાદીને જોબ હબ એલએલપી નામની કંપનીની આપવામા આવી હતી, ત્યારબાદ ફરિયાદીને ટેલિગ્રામ ઉપર વિડીયો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા માટે તેના એકાઉન્ટમાં 150 રૂપિયા જમા થયા હતા.
આ રીતે બન્યો ભોગ : બીજા દિવસે ટેલિગ્રામ આઇડી ધારકે યુવકને મેસેજ કરીને જાણ કરી હતી કે ટાસ્ક પૂરો કરશો તો તમને વધુ પૈસા મળશે તેવુ જણાવતા ફરિયાદીએ તે માટે એક ટેલિગ્રામમાં ગ્રુપ 22-4 ના નામનું બનાવ્યું હતું. જેમાં ટાસ્ક રમવા માટે યુપીઆઈ આઈડી ઉપર પૈસા ટ્રાન્સફર કરવાનો જણાવ્યું હતું અને ફરિયાદીએ બીટકોઈનમાં પૈસા રોકવા માટે તે યુપીઆઈ આઈડી ઉપર 5000 રૂપિયા જમા કરાવ્યા હતા અને તે યુવકે અલગ અલગ એકાઉન્ટમાં લાખો રૂપિયા ટ્રાન્સફર કરી નાખ્યા હતા.
40 લાખ ગુમાવ્યા : જે પૈસા માંગતા તે આઈડીના ધારકે ફરિયાદીનું એકાઉન્ટ ફ્રોઝન થઈ ગયું છે, જેથી સાત લાખ રૂપિયા ભરવા પડશે તેવી વાત કરતા યુવકે ના પાડી હતી. બાદમાં યુવકને જાણ થઈ હતી કે તેની સાથે 40 લાખ 21 હજાર 938 રૂપિયાની છેતરપિંડી થઈ છે. જેથી આ સમગ્ર મામલે સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આ અંગે ચાંગોદર પોલીસે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પોલિસમાં ફરિયાદ નોંધાઇ : આ અંગે ચાંગોદર પોલીસ સ્ટેશનના પીઆઈ આર.ડી ગોજીયાએ ETV ભારત સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આ અંગે ગુનો દાખલ કરી આરોપી અંગેની તપાસ ચાલુ છે. ફરિયાદીને મળેલી લીંકો તેમજ ટેક્નીકલ એનાલીસીસ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.