અમદાવાદઃ અમદાવાદમાં વર્ષની શરૂઆતથી જ ગુનાખોરીની સંખ્યા પણ વધી રહી છે. ત્યારે ફેબ્રુઆરી મહિનાની વાત કરીએ તો, અત્યાર સુધીમાં કુલ 4 હત્યા થઈ ચૂકી છે. તાજેતરમાં જ વસ્ત્રાપુરમાં એક સિક્યોરિટી ગાર્ડની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. તેના કારણે ચકચાર મચી હતી.
આ પણ વાંચો Ahmedabad Crime : શહેરમાં 9 દિવસમાં ચોથી હત્યા, જમાલપુર દરવાજા બહાર મહેસાણાના યુવકની હત્યા
સિક્યોરિટી ગાર્ડની જાહેરમાં હત્યાઃ વસ્ત્રાપુર તળાવમાં 7 ફેબ્રુઆરીએ રાત્રે એક સિક્યોરિટી ગાર્ડ સુતો હતો. તે દરમિયાન 20 વર્ષીય મૂળ નેપાળના રામજતન મુખિયાએ તેની પર હુમલો કરતા તેનું મોત થયું હતું. જોકે, આરોપીએ જાહેરમાં સિક્યોરિટી ગાર્ડ પર હુમલો કર્યો તે સમયે લેકમાં આવેલા લોકોએ તેનો જીવ બચાવવાની જગ્યાએ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ત્યારે પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી શરૂ કરી હતી.
ગોમતીપુરમાં હત્યાઃ વાત કરીએ ગોમતીપુર વિસ્તારની. અહીં પિતરાઈ ભાઈ સાથે એક યુવક બેઠો હતો. તે દરમિયાન આરોપીએ અચાનક આવી તેની પર છરીથી હુમલો કર્યો હતો. જોકે, ત્યારબાદ યુવકને હોસ્પિટલમાં ખસેડાયો હતો, પરંતુ તેનું મોત નીપજ્યું હતું.
ગોમતીપુરની ઘટનાઃ આ મામલે આરીફ હુસેન શેખ નામના ગોમતીપુરના યુવકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, 1 ફેબ્રુઆરીએ રાત્રે 9 વાગ્યે તે પિતરાઈ ભાઈઓ અને ભત્રીજા ફરહાન સાથે ગોમતીપુરમાં એન. કે. રેસ્ટોરાં પાસે બેઠાબેઠા વાતો કરતા હતો. તે વખતે ઈરફાન ઉર્ફે ગોલી ઉસ્માનખાન પઠાણ નામનો શખ્સ હાથમાં છરી જેવું હથિયાર લઈને અચાનક જ ફરિયાદી અને તેના સાથે બેઠેલા તમામ પર હુમલો કર્યો હતો. એટલું જ નહીં આરોપીના સંબંધીએ પણ ફરિયાદી સાથે ઝઘડો કરી તેને અપશબ્દો કહ્યા હતા. ત્યારે આ મામલે પોલીસે ફરાર આરોપી ઈરફાન ગોલી અને સાકીબ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
કાલુપુરમાં યુવકની ધોળા દિવસે હત્યાઃ અહીં પાંચકુવા નજીક ધોળા દિવસે ચાર શખ્સોએ ભેગા મળી તલવાર અને છરીના ઘા મારીને યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ અંગે વટવામાં રહેતા મોહમ્મદ ફૈઝાન અત્તરવાલા (મોમીને) ફરિયાદ નોંધાવી હતી કે, 6 જાન્યુઆરીએ (સોમવારે) તે પોતાના ભાઈ કાશીમ હુસૈન અત્તરવાલા તેમ જ માસીના દિકરા સાબાનહુસેન ઉર્ફે સાબરઅલી મોમીન સાથે હોસ્પિટલના કામ માટે ઘરેથી નીકળ્યા હતા. ફરિયાદી પોતાની રિક્ષા લઈને પસાર થઈ રહ્યા હતા. તે સમયે બપોરે 03:00 વાગ્યા આસપાસ સારંગપુર સિંધી માર્કેટ ખાતે પહોંચ્યા હતા, ત્યાં ઓટોરીક્ષાની પાછળ એક બીજી ઓટો રીક્ષામાં ચાલકે તેઓને ઓવરટેક કરવાનો પ્રયત્ન કર્યો હતો અને તે ઓટો રીક્ષામાં સાદિક હુસેન ઉર્ફે દાદા મોમીન, રફીક હુસેન મોમીન, લિયાકત હુસૈન મોમીન તથા નાસીર હુસેન મોમીન બેઠા હતા. જેમાં લિયાક્ત હુસેન ઓટો રીક્ષા ચલાવતો હતો અને તેની પાસે સાદિક હુસેન અને નાસીર હુસેનના હાથમાં પણ તલવાર હતી.
ઈસમોએ કર્યો અચાનક હુમલોઃ ફરિયાદીએ રીક્ષા ઓવરટેક ન કરવા દઈને આગળ નીકળી ગયો હતો અને પાંચકૂવા દરવાજા તરફ રીક્ષા ભગાડતા તે રીક્ષામાં આવેલા ઈસમોએ અચાનક જ તેમની પર હુમલો કર્યો હતો. ટ્રાફિક હોવાથી રીક્ષામાંથી ઉતરી જતા સાદિક હુસેને પોતાના હાથમાં તલવાર તેમ જ લીયાકાત હુસેને પોતાના હાથમાં ચપ્પુ અને બીજા હાથમાં લોખંડનો સળિયો લઈને ફરિયાદીની પાછળ તેમને મારવા માટે દોડ્યો હતો અને તે સમયે ફરિયાદીનો ભાઈ કાસીમ હુસેન ભાગતો હોવાથી તેની પર પણ તલવારથી હુમલો કરાયો હતો. ત્યારબાદ ફરિયાદી સહિત ત્રણેય યુવકો કડિયાકુઈ તરફ ભાગવા જતા આરોપીઓએ હથિયારો સાથે જીવલેણ હુમલો કર્યો હતો.
લગ્નપ્રસંગમાં થઈ હતી બબાલઃ જોકે, આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ત્યારે આ હત્યાની ઘટનામાં સાબરહુસેન મોમીનનું ઘટનાસ્થળે મોત થયું હતું. આ મામલે કાલુપુર પોલીસે તપાસ શરૂ કરી હતી. આ અંગે ડી ડિવિઝનના એસીપીએ જણાવ્યું હતું કે, પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, બે દિવસ પહેલાં લગ્નપ્રસંગમાં ફરિયાદી અને આરોપીઓ વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી અને તેની અદાવત રાખીને આરોપીઓએ જીવલેણ હુમલો કર્યો હતો. હાલ આરોપીઓને પકડવા અલગ અલગ ટીમો કામે લગાડવામાં આવી છે.
અમદાવાદમાં ગ્રીષ્મા હત્યાકાંડ થતા રહી ગયોઃ સુરતનો ગ્રીષ્મા હત્યાકાંડ તો તમને યાદ હશે. બસ આ જ હત્યાકાંડનું પુનરાવર્તન અમદાવાદમાં થતા થતા રહી ગયું હતું. અહીં ચાંદખેડા વિસ્તારમાં એક આરોપીએ મહિલાને ઘરમાં ઘુસીને છરી વડે હુમલો કર્યો હતો. મહિલા લોહીલુહાણ થતાં તેનો પતિ હોસ્પિટલ લઈ ગયો હતો. ચાંદખેડામાં રહેતી પરિણીતા ઘરે હતી. ત્યારે તેની કૉલેજનો મિત્ર અને આરોપી સર્વેશ રાવલ તેના ઘરમાં આવ્યો હતો. ત્યારે સર્વેશે કૉલેજના અન્ય મિત્રો પણ આવતા હોવાનું જણાવતા યુવતીનો પતિ બહાર દૂધ લેવા ગયો હતો. તે જ વખતે આરોપીએ એકતલાનો લાભ ઊઠાવી મહિલા પર છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલા કરવા પાછળનું કારણ એ હતું કે, કૉલેજના સમયે આરોપી આ મહિલાને પ્રેમ કરતો હતો, પરંતુ મહિલાએ તેના પ્રેમનો અસ્વીકાર કરતાં આરોપીએ હુમલો કરી નાખ્યો હતો.